Click Here |
કેન્દ્રીય કર્મચારીઓના DAમાં ૬ ટકાનો વધારોકેબિનેટના નિર્ણયથી કેન્દ્રના ૧ કરોડ કર્મચારી, પેન્શનરોને લાભકેન્દ્રીય
કર્મચારીઓ અને પેન્શનરોને મોટા લાભ સાથે કેન્દ્રિય કેબિનેટે આજે પગાર સાથે
મળતાં ડીએમાં ૬ ટકાનો વધારો કર્યો છે. પહેલી જાન્યુઆરી ૨૦૧૫થી અસરમાં
આવતાં આ વધારા સાથે કેન્દ્રિય કર્મચારીઓને મળવા પાત્ર કુલ ડીએ ૧૧૩ ટકા થશે.
૪૮ લાખ કેન્દ્રિય કર્મચારીઓ અને ૫૫ લાખ પેન્શનરોને થનારા આ લાભથી
સરકારને ચાલુ નાણાકીય વર્ષે ૭૮૮૯.૩૪ કરોડનો બોજો પડશે. વડાપ્રધાન નરેન્દ્ર
મોદીની આગેવાની હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો તેમ
અધિકૃત સૂત્રોએ જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે ૧લી જાન્યુઆરી ૨૦૧૫થી
કેન્દ્રિય કર્મચારીઓને બેઝિક પગાર સાથે ૧૧૩ ટકા ડીએ મળશે. આ વધારો ૬ટ્વા
પગાર પંચે કરેલી ભલામણોના આધારે કરાયો હતો.
કેન્દ્ર સરકાર પર આ નિર્ણયથી ડીએ અને ડીઆર સહિતની ચૂકવણી માટે વર્ષે
૬૭૬૨.૨૪નો બોજો પડશે. ૨૦૧૫-૧૬ના નાણાકીય વર્ષનો બોજો ૭૮૮૯.૩૪ કરોડનો હશે.
ઉલ્લેખનીય છે કે ગયા સપ્ટેમ્બરમાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં ૭ ટકાનો
વધારો થઇ ૧૦૭ ટકા કરાયું હતું
વીસ મિનિટમાં પ્રવચન પતાવી દેવાની કળા
અમેરિકન પ્રેસિડેન્ટ્સ વુડ્રો વિલ્સન અને અબ્રાહમ લિંકનથી માંડીને માર્ક ટ્વેઇન સુધીના મહાનુભાવોના નામે ચડતું રહેલું આ અવતરણ કોણ બોલ્યું ને કોણ નહીં એ અગત્યનું નથી. લાંબું બોલવું તદ્દન આસાન છે, ટૂંકું પ્રવચન કરવું એકદમ અઘરું છે, એ મૂળ વાત છે. ખરી વક્તૃત્વકળા ઓછામાં ઓછી મિનિટોમાં શ્રોતાઓને અઘરામાં અઘરા વિષય વિશેની સરળતાથી સમજ આપવામાં છે. વક્તવ્યની એક પણ મિનિટ વેડફાય નહીં, નકામો એકેય શબ્દ બોલાય નહીં, પુનરાવર્તન થાય નહીં, મનોરંજન માટેના રમૂજી ટુચકા અને સંદર્ભવિહીન કિસ્સાઓને મારીમચડીને પ્રવચનમાં ઘુસાડાય નહીં ત્યારે જ શ્રોતાઓને ખબર પડે કે વક્તા કેટલા પાણીમાં છે.
ભારતમાં પણ જેનાં પગરણ થઈ ચૂક્યાં છે તે ઇન્ટરનેશનલ પ્રવચન સિરીઝ નામે 'ટેડ ટોક' વિશે ક્યારેક ટૂંકી નોંધ લખી હતી, આજે વિસ્તૃતપણે વાત કરવી છે. ટીઈડી - ટેડ એટલે ટેક્નોલોજી, એન્ટરટેઇનમેન્ટ અને ડિઝાઇનનું ટૂંકાક્ષરી સ્વરૂપ. ૧૯૮૪માં અમેરિકામાં પહેલી 'ટેડ ટોક'ની ઇવેન્ટ યોજાઈ ત્યારે એને આગળ વધારવાનો કોઈ ઇરાદો નહોતો. ૧૯૯૦થી દર વર્ષે 'ટેડ ટોક' યોજાવા લાગી. એ પછી વર્ષમાં બે વાર અને હવે તો અમેરિકા ઉપરાંત યુરોપ અને એશિયામાં પણ 'ટેડ ટોક'નું આયોજન થાય છે. હવે તો આ ત્રણ ઉપરાંત દુનિયાભરના વિષયો પર એક્સપર્ટ્સનાં પ્રવચનો થાય છે, પણ બ્રાન્ડનેમ 'ટેડ ટોક' જ છે.
આ 'ટેડ ટોક' માત્ર વીસ જ મિનિટની હોય છે. વીસ મિનિટમાં પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાતો આપણા જેવા નોર્મલ સીધાસાદા શ્રોતાઓને જકડી રાખે એવી માહિતી અને એવા વિચારો પેશ કરીને તરબતર કરી દેતા હોય છે. કેવા વક્તાઓ હોય છે એમાં? સ્ટીવ જોબ્સથી માંડીને બિલ ક્લિન્ટન અને મોનિકા લુઇન્સ્કી સુધીના મહાનુભાવો 'ટેડ ટોક' માટે નિમંત્રણ મળે એને પોતાનું સદ્ભાગ્ય ગણે. ટેડ ડોટ કોમ (www.ted.com) પર ૧૯૦૦થી વધારે પ્રવચનો તમને જોવા-સાંભળવા મળશે. અંગ્રેજી ઉચ્ચારો ક્યારેક ન સમજાય તો વીડિયોની સાથે સબટાઇટલ્સ અને નીચે આખા પ્રવચનની ટ્રાનસ્ક્રિપ્ટ મૂકેલી હોય છે. રોજ માત્ર એક-એક પ્રવચન પણ તમે સાંભળશો કે વાંચો તો તમારે તમારા જ્ઞાાનની ક્ષિતિજો વધારવા બીજે ક્યાંય જવું નહીં પડે.
'ટેડ ટોક'નો એક નવો ફાંટો 'ટેડ-એક્સ ટોક' છે, જેનું આયોજન ડાયરેક્ટલી 'ટેડ ટોક' દ્વારા નથી થતું, પણ એ લોકોની ગાઇડલાઇન્સ હેઠળ, એમની પરવાનગી લઈને તમે એનું આયોજન કરી શકો છો. ગયા રવિવારે શેફ સંજીવ કપૂરે આવી જ એક 'ટેડ-એક્સ ટોક' વારાણસીમાં કરી. 'ટેડ ટોક'ના આયોજક નોન પ્રોફ્ટિ મેકિંગ સેપલિંગ ફાઉન્ડેશન પાસે ન્યૂ યોર્ક અને વેનકુવરના હેડક્વાર્ટર્સમાં કુલ ૯૦ જણનો સ્ટાફ છે. 'ટેડ ટોક'માં રૂબરૂ સાંભળવાનું આમંત્રણ મેળવવું સસ્તી વાત નથી. એન્યુઅલ મેમ્બરશિપ ફી છ હજાર ડોલર્સ છે.
૨૦૦૫થી દરેક વર્ષની બેસ્ટ 'ટેડ ટોક' માટે ઇનામ આપવાનું ચાલુ થયું. અત્યારે એ ઇનામ દસ લાખ ડોલર્સનું છે. 'ટેડ ટોક'નાં પ્રવચનો સભાગૃહોમાં થાય છે. પછી એનો વીડિયો યુ ટયૂબ તેમજ ટેડની પોતાની વેબસાઇટ પર મુકાય છે. આ પ્રવચનોને ટીવી પ્રોગ્રામ તરીકે બતાવવાની પ્રપોઝલ મૂકવામાં આવી હતી, જે ટેડવાળાઓએ રિજેક્ટ કરી.
થોડાંક વર્ષથી હેલ્થ અને મેડિસિનના ક્ષેત્રના નિષ્ણાતોને બોલાવીને 'ટેડ-મેડ'ની પ્રવચન સિરીઝ શરૂ થઈ છે. આવી એક 'ટેડ-મેડ'ની ટોક આપવા માટે ગુજરાતી લેજન્ડરી ડોક્ટર સ્વ. મનુ કોઠારીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. યુ ટયૂબ પર એ વીડિયો અવેલેબલ છે.
૧૯૦૦ જેટલી ટેડ ટોક્સમાંથી જેટલી જોઈ-સાંભળી છે એમાંની મારી ફેવરિટ આ પાંચ છે.
૧. કેન રોબિન્સન : હાઉ સ્કૂલ્સ કિલ ક્રિએટિવિટી. ૧૯મી સદીમાં વિશ્વમાં ઇન્ડસ્ટ્રિયલા-ઇઝેશનનો વાયરો ફૂંકાયો ત્યારથી શિક્ષણપ્રથાની દશા બેસી ગઈ એવું એજ્યુકેશનિસ્ટનું કહેવું છે. બધે જ સ્ટાન્ડર્ડ સિલેબસ ધરાવતી સ્કૂલોમાં વિદ્યાર્થીની સર્જનાત્મકતા કુંઠિત કરી નાખવામાં આવે છે. એમના વ્યક્તિત્વને ખીલવવાને બદલે એમને એવું શિક્ષણ આપવામાં આવે છે જેને કારણે ઉદ્યોગધંધાઓને જ ફાયદો થાય એવું કેન રોબિન્સન માને છે.
૨. ડેનિયલ ક્વેર્ચા : હેપી મેપ્સ. આ ઇટાલિયન મેપ રિસર્ચર આલ્બર્ટ આઇન્સ્ટાઇનને ક્વોટ કરીને કહે છે, "લોજિક-તર્ક આપણને 'એ'થી 'બી' સુધી લઈ જશે, પણ ઇમેજિનેશન કલ્પના આપણને બધે જ લઈ જશે." ડેનિયલ કહે છે કે, આપણે ઘરની બહાર નીકળીને ક્યાંક જઈએ છીએ ત્યારે ત્યાં જવાનો ટૂંકામાં ટૂંકો રસ્તો પકડીએ છીએે. આપણે ગમે તેવો સારામાં સારો રમણીય, દર્શનીય માર્ગ પસંદ કરતા નથી. ડેનિયલ નકશાશાસ્ત્રી છે, પણ એની વાતમાં જીવનની જે ઊંડી ફિલસૂફી છે, તે જો ઓછામાં ઓછા શબ્દોમાં અહીં રજૂ કરવી હોય તો કવિ અમિત વ્યાસની આ પંક્તિ ટાંકવી પડેઃ 'છે ભૂલા પડવાનો એક જ ફાયદો, કેટલા રસ્તા પરિચિત થાય છે' અને આ જ સંદર્ભમાં કવિ હેમેન શાહનો શેરઃ 'એક પણ તૈયાર કેડી ન ગમી, ત્યારથી યાત્રા શરૂ શાયદ થઈ.'
૩. કેરોલ ડ્વેક : ધ પાવર ઓફ બીલિવિંગ ધેટ યુ કેન ઇમ્પ્રૂવ. સાઇકોલોજિસ્ટ કેરોલ પાયાની વાત એ કરે છે કે કોઈ બાબતે સોમાંથી પાંત્રીસ માર્ક્સ આવવાથી આપણે ફેલ નથી થઈ જતા. માત્ર એટલું જ કે હજુ એક માર્કની મહેનત કરવાની છે. તો પછી નેક્સ્ટ ટાઇમ એવી મહેનત કરવાની. ઇવન સોમાંથી દસ ગુણ પણ મેળવ્યા હોય તો માનવાનું કે ચાલો, ઝીરોથી દસ સુધી પહોંચ્યા, ભવિષ્યમાં દસ પરથી વીસ અને વીસ પરથી ચાળીસ, પચાસ, નેવું સુધી પણ પહોંચી શકીશું જો ખંતથી મહેનત કરીશું તો. અને કેરોલની આ વાત માત્ર વિદ્યાર્થીઓને અપાતા રિઝલ્ટ પૂરતી સીમિત નથી, એટલું તો તમે સમજ્યા જ હશો. જીવનમાં 'નાપાસ' થવાની કોઈ વાત જ નથી હોતી. વાત માત્ર એટલી જ હોય છે કે, 'પાસ થવામાં હજુ વાર છે.' વોટ એન ઇન્સપાયરિંગ કન્સેપ્ટ! શિકાગોની એક સ્કૂલ નાપાસ વિદ્યાર્થીના રિઝલ્ટમાં 'ફેલ'ને બદલે 'નોટ યટ' લખે છે.
૪. પાયકો અય્યર : વ્હેર ઇઝ હોમ? ભારતીય મા-બાપને ત્યાં જન્મેલા આ લેખકે જિંદગીમાં ક્યારેય ભારત જોયું નથી. જન્મ્યા અને ભણ્યા બ્રિટનમાં, પણ બ્રિટન એમનું ઘર નથી. દાયકાઓથી અમેરિકા રહે છે અને ટૂરિસ્ટ વિઝા પર કુલ ૨૫ વર્ષ જેટલા સમય માટે સમયાંતરે જાપાન જઈ આવ્યા છે, છતાં ન તો એ પોતાને જાપાની માને છે ન જાપાનીઓ એમને હમવતની ગણે છે.
એક દિવસ કેલિફોર્નિયાનું એમનું ઘર ૭૦ ફીટ ઊંડી અગનજ્વાળાના દાવાનળમાં ભડભડ સળગી ગયું. બીજે દિવસે પાયકો અય્યર પાસે પહેરેલાં કપડાં સિવાય બીજું કંઈ નહોતું, સિવાય કે એક ટૂથબ્રશ જે એમણે ઘર ખાખ થઈ ગયા પછી ખરીદ્યું હતું. આપણે આખી જિંદગી જે ઘર બનાવવા ગધ્ધાવૈતરું કરતા રહીએ છીએ, લોન લઈને, ઉછીના-ઉધાર કરીને દર મહિને ખેંચાઈ ખેંચાઈને હપ્તા ભરતા રહીએ છીએ એ ઘર આપણને સલામતી આપે છે કે પછી આપણને મર્યાદિત બનાવી દે છે? ઘરના કમ્ફર્ટ ઝોનમાં ખુશ થઈને આપણે આપણી ક્ષમતાઓને છુટ્ટો દોર આપી શકતા નથી, આપણામાં રહેલી શક્યતાઓને ઓળખી શકતા નથી. દિવસો સુધી વિચારતા કરી મૂકે અને કદાચ જિંદગીનો રાહ બદલી નાખે એવું વક્તવ્ય.
૫. ગ્લેન ગ્રીનવાર્લ્ડ : વ્હાય પ્રાઇવસી મેટર્સ. ગ્લેન પત્રકાર છે. એડવર્ડ સ્નોડેનયાદ છે તમને? અમેરિકાની નેશનલ સિક્યુરિટી એજન્સી (એનએસએ) કઈ રીતે અમેરિકન નાગરિકો વિશેની ઝીણામાં ઝીણી વિગતો મેળવીને બિગ બ્રધર બનીને સૌના પર નજર રાખે છે, એ અમેરિકન સરકારના 'કૌભાંડ'ને ગ્લેન ગ્રીનવાર્લ્ડે સ્નોડેનના ઇન્ટરવ્યૂ દ્વારા દુનિયા સુધી પહોંચાડયું. આ 'ટેડ ટોક'માં ગ્લેન કહે છે કે તમે કોઈ પણ ગેરકાનૂની કે અનૈતિક કામ ન કરતા હો તોપણ તમારે પ્રાઇવસીને જીવની જેમ જાળવવી જોઈએ. ગૂગલ અને તમારા ફોનની તમામ એપ્સ તમારો પ્રાઇવેટ ડેટા, તમારા ફોટા તમારી પાસેથી સંમતિ પડાવીને લઈ લે છે. તમે ક્યારે, ક્યાં, શું કરો છો એની મહિતી પણ ગૂગલ મેપ્સ અને ફેસબુક લોકેશન દ્વારા એ લોકોના કમ્પ્યૂટર્સમાં સચવાઈ જાય છે. આ માહિતી ભવિષ્યમાં કોની પાસે જશે અને એનો શો ઉપયોગ થશે, કેવી રીતે આ માહિતી તમારા અહિત માટે વપરાશે એની જાણ તમને નથી હોતી.
'ટેક ટોક'નું વીસ મિનિટનું દરેક વક્તવ્ય વિચારવાની એક નવી બારી ખોલી આપે છે. આ બારીમાંથી આવતી દરેક લહેરખી આપણા જીવનને નવી તાજગી આપે છે, બંધિયાર વિચારોને ઓક્સિજન આપીને નવપલ્લવિત કરે છે.
આંકડાઓ માહિતી નથી, માહિતી જ્ઞાાન નથી, જ્ઞાાન સમજણ નથી અને સમજણ ડહાપણ નથી.
- ક્લિફર્ડ સ્ટોલ ('ટેડ ટોક' આપનાર અમેરિકન સાયન્ટિસ્ટ)