પાંડુપુત્ર અર્જુનનો અહંકાર કુરુક્ષેત્રનું યુદ્ધ જીતી લીધા પછી અર્જુનને અહંકાર થઈ ગયો હતો
કે તે જ માત્ર ઈશ્વરનો સાચો ભક્ત છે. એક દિવસ અર્જુન બહાર ફરવા માટે
નીકળ્યો. રસ્તામાં તેણે એક વ્યક્તિ જોઈ જેની કમર પર તલવાર લટકતી હતી અને
તેઓ સૂકું ઘાસ તોડીને ખાતા હતા. આ જોઈને અર્જુનને ખૂબ જ આશ્ચર્ય થયું.
અર્જુને તે વ્યક્તિને પ્રશ્ન કર્યો, "તમે તો શુદ્ધ સાત્ત્વિક મનુષ્ય છો. તમે સ્વાદ પર વિજય મેળવી લીધો લાગે છે, પણ મારી સમજમાં નથી આવતું કે તમે આ તલવાર શા માટે ધારણ કરી છે?" તે વ્યક્તિએ કહ્યું, "આ તલવાર મેં એ ચાર વ્યક્તિઓને દંડ કરવા ધારણ કરી છે." આશ્ચર્યપૂર્વક અર્જુને પૂછયું, "એ ચાર વ્યક્તિ કોણ છે?" તે વ્યક્તિએ ઉત્તર આપ્યો, "તેમાંથી એક છે નારદજી, જેઓ મારા ભગવાનનું કોઈ ધ્યાન નથી રાખતા. ભજન-કીર્તન કરીને જેમને હંમેશાં જગાડી રાખે છે. બીજી છે દ્રૌપદી, જેણે
મારા પ્રભુને બોલાવ્યા ત્યારે તેઓ ભોજનનો ગ્રાસ લઈ રહ્યા હતા. તેમને ભોજન
વચ્ચે છોડીને ચીરહરણથી બચાવવા જવું પડયું. ત્રીજો છે પ્રહ્લાદ તેણે મારા
પ્રભુને ગરમ તેલની તાવડીમાં બોલાવ્યા, હાથીના પગ તળે કચડાવ્યા અને તેમને થાંભલામાંથી પ્રગટ થવા માટે મજબૂર કર્યા." અર્જુનથી ન રહેવાતાં તેણે તરત જ પૂછયું, "અને ચોથું કોણ છે?" "ચોથો છે પાંડુપુત્ર અર્જુન. તેની દુષ્ટતા તો જુઓ. તેણે સ્વયં પ્રભુને પોતાના સેવકના રૂપમાં સારથિ બનાવ્યા." પ્રભુ પ્રત્યે તે વ્યક્તિની આવી ભક્તિ અને પ્રેમ જોઈને અર્જુનનો અહંકાર દૂર થયો. સાચો ભક્ત તો એ જ છે જે પોતાની પીડાનાં રોદણાં ઈશ્વર સામે નથી રોતા. તેઓ સંકટને સંઘર્ષના રસ્તે સમાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે.