HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

21 ઑક્ટોબર, 2016

બોધ કથાઓ

બોધ કથાઓ

નવાણુંના ચક્કરમાં

એક શેઠ હતા . એમની દુકાનની સામે એક મસ્ત માણસ રહેતો હતો . તે પોતાની સાધનામાં સદા મગ્ન રહેતો હતો . તેની મસ્તી શેઠથી સહેવાતી નહિ . એ વિચારતા જ રહેતા કે આ માણસ હંમેશા પોતાની મોજમાં કેમ રહી શકે છે ? કંઇક કરવું પડશે .
એક દિવસ શેઠે પેલા માણસનાં ઘરમાં એક થેલી ફેંકી . એ થેલીમાં ગણીને નવાણું રૂપિયા મુકેલા હતા . હવે પેલો માણસ જયારે પોતાના ઘરમાં આવ્યો ત્યારે એણે થેલી પડેલી જોઈ . ઉઠાવી . એમાંના રૂપિયા ગણીને એને થયું કે હવે એક રૂપિયો મળી જાય તો પુરા એકસો રૂપિયા થઇ જાય .
આ માટે એણે કામ કરવા માંડ્યું . એકસો દસ રૂપિયા મળ્યા . પછી એને થયું કે એકસોવીસ રૂપિયા થઇ જાય તો ઠીક : આમ રૂપિયા વધારવાની લાલચમાં એની મસ્તી અને સાધના સંકેલાઈ ગઈ ! 
લાભ થવાથી લોભ વધે છે . આથી લોભ કે લાલચમાં ન પડીને પોતાના દ્વારા કમાયેલી સંપત્તિ એટલે કે સાધનામાં જ લીન રહેવું જોઈએ .

મનની એકાગ્રતા

સ્વામી વિવેકાનંદની મનની એકાગ્રતા તીવ્ર હતી . તેઓ મનથી એકવાર કંઈપણ સમજી લે તેને ફરીવાર ભુલતા નહી . તેઓ દરેક કાર્ય મનથી કરતા અને તે કાર્યમાં એકાગ્રતા રાખતા . સ્વામી વિવેકાનંદના જીવનમાંથી એક સુંદર મનની એકાગ્રતાનો પ્રસંગ જાણીએ .
સ્વામી વિવેકાનંદ અમેરિકામાં ધર્મ પ્રચાર માટે ગયા હતા . અમેરિકામાં તેઓ ઘણી બધી જગ્યાએ ઘણા બધા મહાનુભાવોને મળવા જતા હતા .એકવાર રસ્તામાં તેઓ એક મેદાન પાસેથી પસાર થતા હતા ત્યારે તેઓ બાળકોને રમતા જોઈ થોડીવાર ઉભા રહી ગયા . મેદાનમાં છોકરાઓ છરા વાળી ગનથી નિશાન ટાંકવાની રમત રમતા હતા . એક છોકરો હવામાં દડો ઉછાળે અને બીજો તે દડાને ગનથી નિશાન ટાંકે . કેટલાક છોકરા નિશાન ટાંકે અને કેટલાંક ચુકી જાય . નિશાન ચુકી ગયેલા નિરાશ છોકરાઓને જોઈ સ્વામીજી હસે છે . સ્વામીજીને હસતા જોઈ છોકરાઓ રમતમાં સ્વામીજીને પણ સામેલ કરે છે . નિરાશ થયેલ છોકરાઓમાંથી એક છોકરાએ સ્વામીજીના હાથમાં ગન આપી અને એકજ વારમાં નિશાન ટાંકવા કહ્યું . છોકરાઓને વિશ્વાસ હતો કે સ્વામીજી હાર માની લેશે . સ્વામીજીએ તરત હાથમાં ગન લીધી અને એકજ વારમાં દડાને નિશાન ટાંકી લીધું . સ્વામીજીએ વારાફરતી ત્રણ ચાર વાર સફળ નિશાન ટાંકી બધાને ચકિત કરી દીધા . સ્વામીજીએ જિંદગીમાં પ્રથમવાર જ આ રીતે નિશાન ટાંક્યું હતું અને તેમાં પણ સફળ થયા હતા.
છોકરાઓએ સ્વામીજીને આ સફળતા માટે રહસ્ય પૂછ્યું ત્યારે સ્વામીજીએ સરળ શબ્દોમાં બોધ આપ્યો કે ,” કોઇપણ કાર્ય કરવા માટે મનની એકાગ્રતા કેળવો .” જો તમારું મન એકાગ્ર થશે તો કોઇપણ કાર્યમાં સફળ થશો . મેં ક્યારેય નિશાન ટાંકવાની રમત રમી પણ નથી અને જોઈ પણ નથી છતાં આજે તમને રમતા જોઈ મેં મનની એકાગ્રતાથી રમત જોઈ અને હું તેમાં સફળ થયો .

ઠંડુ પાણી , કાન અને ફટાકડા

એક શેઠે ખૂબ ખર્ચ કરીને શ્રીમદ ભાગવત સપ્તાહ કરાવી . કથા આરંભ થતાં પહેલાં સંકલ્પ માટે એમને ઠંડા પાણીથી સ્નાન કરાવવામાં આવ્યું . એ વખતે થોડુંક પાણી એમના કાનમાં ગયું તેથી સંભળાતું બંધ થઇ ગયું
આથી આખી કથા દરમ્યાન તેઓ કેવળ બેઠા જ રહ્યા , કશું સંભળાતું તો હતું નહી એમને ! સપ્તાહને છેલ્લે દિવસે લોકોએ ખૂબ ફટાકડા ફોડ્યા એના ધડાકાથી શેઠજીના કાન ખૂલી ગયા !
બધા જ કંઈ ભાગવત કથા સાંભળી શકતા નથી . જેના પુણ્યનો ઉદય થયો હોય તે જ માણસ કથા સાંભળવા પામે છે .

આત્મ સંયમ

અરબસ્તાનનો એક કવિ અલ કોસઈ રણમાં રહેતો હતો . એક દિવસ નાબાનું એક સુંદર ઝાડ એના જોવામાં   આવ્યું . એ ઝાડની ડાળીઓમાંથી તેણે એક ધનુષ્ય તથા બાણ બનાવ્યાં .
રાત પડી એટલે એ ધનુષ બાણ લઇ તે જંગલી ગધાઓનો શિકાર કરવા નીકળી પડ્યો . થોડી જ વારમાં એણે ગધેડાનાં એક ટોળાનાં પગલાંઓનો અવાજ સાંભળ્યો . અને તેણે એક તીર છોડ્યું .એણે એટલા જોરથી ધનુષ ખેંચીને તીર છોડ્યું કે તે ગધેડાના શરીરને વીંધીને આરપાર નીકળી ગયું અને પાસેના પથ્થર સાથે જોરથી અફળાયું . બાણના એ અફળાવાનો અવાજ સાંભળીને અલ કોસઈએ વિચાર્યું કે મારો ઘા ખાલી ગયો છે . એટલે એણે બીજું તીર છોડ્યું . એ તીર પણ એક બીજા ગધેડાને વીંધી આરપાર નીકળી ગયું અને પથ્થર સાથે અફળાયું . અલ કોસઈએપાછું ફરી ધાર્યું કે એનો ઘા ખાલી ગયો છે . એટલે એણે પાછું ત્રીજું બાણ છોડ્યું , ચોથું  બાણ છોડ્યું , પાંચમું છોડ્યું . અને હરેક વખત તેને પેલા જેવો પથ્થર સાથે અફળાવાનો અવાજ સંભળાયો . એમ પાંચમી વાર પણ જયારે એને પોતાનું તીર ખાલી જતું દેખાયું ત્યારે એણે ક્રોધમાં આવીને પોતાનું ધનુષ જ તોડી નાખ્યું .
બીજે દિવસે સવારે આવીને તેણે જોયું તો પેલા પથ્થર પાસે પાંચ ગધેડાં મરેલાં પડ્યાં હતાં .
એનામાં જો થોડીક વધુ ધીરજ હોત , સવાર થાય ત્યાં સુધી એ જો રાહ જોઈ શક્યો હોત તો એ પોતાના મનની શાંતિ બચાવી શક્યો હોત અને સાથે સાથે પોતાનું ધનુષ પણ બચાવી શક્યો હોત .

સાડા તેવીસ કલાકનો બાદશાહ !

એક મહાત્મા હતા ,એ કહેતા – અમે તો સાડા તેવીસ કલાકના બાદશાહ ! ‘ લોકો પૂછતા – મહારાજ , આપ પૂરા ચોવીસ કલાક કેમ નથી કહેતા ? ‘
મહારાજનો ઉત્તર : ‘ અડધી કલાક ભોજનના સમયની છે  . એ વખતે તો અમારે ભિક્ષા માંગવી પડે છે . એથી એટલો સમય અમે બાદશાહ કેમ  કહેવાઇએ ? ‘
મહાત્માઓના અહંકારને ઓગાળવા માટે ભિક્ષાવૃત્તિનો નિયમ કરવામાં આવ્યો છે . મહાત્મા પોતાને ગમે તે માને પણ ભિક્ષાવૃત્તિ માટે તો અહંકારને અળગો કરવો જ પડે . કોઈએ સરસ કહ્યું છે કિતની ચીડીયા ઉડે આકાશ , દાના હૈ ધરતી કે પાસ !

બાળકની બારાક્ષરી !

એક નગર હતું , જેમાં તમામ જાતિ – સમુદાયના લોકો ખૂબ સંપ અને હેતથી રહેતા હતા . સૌ એકબીજાના ધર્મ પ્રત્યે ભારે આદરભાવ ધરાવતા હતા . એક દિવસની આ વાત છે . ચર્ચમાં પાદરીએ જોયું કે એક નાનું બાળક ઇસામસીહની પ્રતિમા સામે હાથ જોડીને કંઇક ગણગણી રહ્યું હતું . પાદરીને બાળકના હાવભાવ જોઈને ખૂબ નવાઈ લાગી . પાદરીના મનમાં અનેક સવાલો દોડવા લાગ્યા . તેઓ ધીરેથી બાળકની પાસે જઈને ચૂપચાપ ઘૂંટણે પડી બેસી ગયા . બાળકે થોડીક વારમાં આંખો ખોલી . પાદરીએ હેતથી પૂછ્યું , બેટા તે ઇસામસીહને કઈ પ્રાર્થના ભેટ ધરી ?
બાળકે પોતાની કાલીઘેલી ભાષામાં કહ્યું , મને કોઈ પ્રાર્થના નથી આવડતી ! આ સાંભળી પાદરીને વધારે જિજ્ઞાસા થઇ . તેમણે બાળકને ફરીથી પૂછ્યું , બેટા તો પછી તું હાથ જોડીને ઇસામસીહને શું કહેતો હતો ? બાળકે કહ્યું , હું તો ઇસામસીહ સમક્ષ બારાક્ષરી બોલતો હતો . પાદરીએ પૂછ્યું , બેટા બારાક્ષરી શા માટે ? બાળકે જવાબમાં કહ્યું , હવે ઇસામસીહને જે પ્રાર્થના ગમશે તે આ બારાક્ષરીમાંથી બનાવી લેશે .
બાળકની આ વાત સાંભળી પાદરી ગદગદ થઇ ગયા . તેઓ સ્વત્: બોલી ઉઠ્યા , મારી આટલાં વર્ષોથી ઇસામસીહને કરેલી તમામ પ્રાર્થનાઓ આગળ આ બાળકની બારાક્ષરી ઇસામસીહે પ્રથમ સ્વીકારી હશે .
જેમ દરેક લાકડામાં છૂપો અગ્નિ હોય છે , પણ તેને પ્રજ્વલિત કરવો પડે છે તેમ દરેક બાળકના મનમાં પણ અખૂટ જ્ઞાન પડેલું છે . આ બાળકોની સર્જનશીલતા અને જીજ્ઞાસાને એક દિશા આપવાની જરૂર હોય છે .બાળકોમાં રહેલી છૂપી સૂઝને પારખી પ્રોત્સાહન આપવાની જરૂર છે .

Get Update Easy