HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

8 માર્ચ, 2015

ઇન્ટરનેશનલ વીમેન્સ ડે

 


યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ તો છેક મોડે મોડે, ૧૯૭૭માં ઇન્ટરનેશનલ વીમેન્સ ડે દર વર્ષે ૮ માર્ચના દિવસે ઊજવવાની ઘોષણા કરી. સત્તાવાર નામ છે યુએન ડે ફોર વીમેન્સ રાઇટ્સ એન્ડ વર્લ્ડ પીસ. આ વિશ્વશાંતિ વળી બીજું એક તૂત છે, જેના ઓઠા હેઠળ તમે કોઈને પણ ઉલ્લુ બનાવી શકો, તમારા ગોરખધંધાનો વિકાસ કરી શકો.
મહિલા દિવસની ઉજવણીની શરૂઆત રશિયામાં કેટલીક મહિલા કામદારોની હડતાળથી થઈ. ૧૯૧૩માં ફેબ્રુઆરીના છેલ્લા રવિવારે. બીજા વર્ષે માર્ચની ૮મીએ ઊજવાયો, એ દિવસે રવિવાર હતો એટલે ત્યારથી ક્રમશઃ દુનિયામાં આ જ તારીખ અપનાવાઈ. જર્મનીમાં સ્ત્રી મતાધિકાર માટે આ દિવસ ઊજવાતો થયો, પણ મૂળ તો આ દિવસ રશિયાની અને દાયકા પછી ચીનની પેદાશ. બેઉ કમ્યુનિસ્ટ દેશો. સામ્યવાદી મેન્ટાલિટીને માફક આવે એવો આ મહિલા દિવસ સંયુક્ત રાષ્ટ્રસંઘને કારણે હવે અમેરિકા સહિતના મૂડીવાદી દેશોમાં પણ ઊજવાતો થઈ ગયો. 
વીમેન એમ્પાવરમેન્ટ યાને કે સ્ત્રીને શક્તિશાળી બનાવવાના ઓઠા હેઠળ આ મહિલા દિવસ નિમિત્તે ભલે સ્ત્રીસ્વાતંત્ર્યની અને સ્ત્રીને વધુ ને વધુ હક્કો આપવાની વાતોનાં વડાં થતાં રહે, ગ્રાઉન્ડ રિયાલિટી જુદી જ હોય છે.
ભારતની પ્રાચીન પરંપરામાં ધર્મશાસ્ત્રો ગાઈવગાડીને સ્ત્રીને પૂજનીય ગણાવવાની વાતો કરી ગયાં, પણ એ જમાનામાં ભારતીય સમાજમાં સ્ત્રીનું સ્થાન કેવું હતું, એ આપણે જાણીએ છીએ. જેનું શોષણ કરવું હોય તેનાં વખાણ કરવાં, એને માથે ચડાવવા એ જૂની ટ્રિક છે. સામ્યવાદીઓએ એ જ કર્યું. કામગારોને એમના હક્ક મળવા જોઈએ, મજદૂરોનો ઉદ્ધાર થવો જોઈએ, વર્કર્સની હાલત સુધરવી જોઈએ એવી નારાબાજી કરીને રશિયા અને ચીનમાં છેવટે તો સામંતશાહી જ વધી. વર્કર્સના લીડરોએ જ પૈસા બનાવ્યા, બંગલા બનાવ્યા અને રખાતો રાખી. કામદારો બિચારા ત્યાંના ત્યાં રહ્યા. ભૂખમરો ઘટયો નહીં, પણ કામદાર નેતાઓનાં શાહી નિવાસસ્થાનોમાં મિજબાનીઓ અને રંગરેલિયા થતી રહી.
ભારતમાં પણ તમે કોઈનેય પૂછો તો કહેશે કે હા, કોઈ પણ સમાજમાં દરેક સ્તરે સ્ત્રીનું એક યા બીજા પ્રકારે શોષણ થતું રહે છે, સ્ત્રીએ પોતાના હક્ક માટે લડવું પડે છે. ઇઝ ઇટ સો?" જરા તપાસીએ.
અંગતપણે મને સ્ત્રીઓ માટે આદર છે. સ્ત્રી જ શું કામ પુરુષો માટે, બાળકો માટે, આ પૃથ્વીની તમામ જીવસૃષ્ટિ માટે આદર છે જેમાં કૂતરાં, બિલાડાં, ગાય, ભેંસ, વાઘ, સિંહ, વાંદરાં બધાં જ આવી ગયાં. વૃક્ષો અને માછલીઓનો પણ સમાવેશ થઈ ગયો. મને ક્યારેય સ્ત્રીને સિંગલ આઉટ કરીને, એમના માટે આદર-ઇજ્જત દર્શાવીને, હું કેટલો મોડર્ન-ઉદારમતવાદી છું એવો દેખાડો કરવાનું ગમ્યું નથી.
સ્ત્રીઓએ ખરેખર જો પુરુષો પર આધિપત્ય જમાવવું હોય, પુરુષોને કાબૂમાં રાખવા હોય તો એમણે ઇન્ટરનેશનલ પુરુષ ડેની ઉજવણી શરૂ કરવી જોઈએ. કામ આસાન થઈ જશે જોજો. સ્ત્રીઓને ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ આપવાની વાતો કરીએ છીએ આપણે. ભલા, પુરુષોને પણ ક્યાં એકસમાન તકો મળતી હોય છે. બોસની આગળ લટુડાંપટુડાં કરતો તમારો જુનિયર ઓછી ટેલેન્ટ ધરાવતો હોવા છતાં ભવિષ્યમાં તમારાથી આગળ નીકળી જ જવાનો છે. આમાં સમાન હક્ક માટેની લડત તમને કામ આવવાની જ નથી, પણ તમારા જેવી જ પોસ્ટ ધરાવતી સ્ત્રીકર્મચારી કરતાં તમે જેન્યુઇનલી વધુ કામ કરતા હશો, નિયમિત હાજરી આપતા હશો અને પ્રતિભા પણ તમારામાં વધારે હશે અને પ્રમોશન તમને મળશે, પેલાં બહેનને નહીં ત્યારે મહિલાવાદી સંસ્થાઓ બૂમાબૂમ કરી મૂકશેઃ જુઓ, પેલાં બહેનને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી નથી મળતી. કરો ધરણાં.
સમાજમાં સ્ત્રી માટે સહાનુભૂતિ દેખાડવાનો રિવાજ છે. સ્ત્રીને તમે ઊંચા પેડેસ્ટલ પર બેસાડો તો પુરુષ તરીકે તમારી ઇજ્જત વધે. માતાની સહનશીલતાનાં ગુણગાન કવિઓ ગાયા કરશેઃ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ...' તો શું બાપનું સ્થાન રિપ્લેસેબલ છે? જનનીની જોડ નહીં જડે, તો શું બાપની જોડ મળી જવાની છે? એ તો કેટલું ખરાબ કહેવાય. તમારું તો ઠીક, એમાં જનનીનું કેવું લાગે. માતાને માથે ચડાવતું સાહિત્ય ખૂબ લખાયું. પિતાનો આદર કરતું સાહિત્ય એની સરખામણીએ દસ ટકા પણ નથી. આજકાલ ફેસબુક અને વોટ્સએપ પર વળી દીકરીનાં ગુણગાન ગાતાં ચાંપલાં અને સ્ટુપિડ જેવાં ઢોંગાડાં ફિલોસોફિકલ વાક્યો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યાં છે. દીકરીઓ નકામી છે એવું કોઈ નથી કહેતું, પણ દીકરાઓય કામના છે અને વધારે કામના છે, પણ આપણી જીભે તો જે અપવાદરૂપ છે એવા નપાવટ દીકરાઓના કિસ્સા જ આવવાના. બાકી, તમે પણ સમજો ને પેલા ફેસબુકિયા ફિલોસોફર્સ પણ સમજે છે કે દીકરી પરણીને એનું સાસરું સાચવશે કે જિંદગીભર પિતાની સેવા કર્યા કરશે? સેવા, જો ખરેખર કોઈ કરશે તો તમારી વૃદ્ધાવસ્થામાં તમારો દીકરો જ કરશે. તમારા દાદાના ઘડપણમાં પણ કંઈ તમારી ફોઈઓ દોડી દોડીને સેવા કરવા નહોતી આવી જતી, તમારા બાપા ઉજાગરા કરતા હતા, ખર્ચા કરતા હતા.
બળાત્કાર, ઘરેલુ હિંસા અને દહેજ. આ ત્રણેયને લગતાં ભારતીય કાયદાઓ ભયંકર છે. સુપ્રીમ કોર્ટ કહી કહીને થાકી ગઈ કે પોલીસે આ કાયદાઓનો ભંગ થયો છે એવી ફરિયાદ નોંધીને તરત આરોપીઓની ધરપકડ કરવાની નથી, પરંતુ ઇન્વેસ્ટિગેશન કર્યા પછી જ અરેસ્ટ કરવાની, પણ આ ત્રણેય કાયદાઓનો ઘોર દુરુપયોગ થાય છે અને થતો રહેવાનો છે. મારા કહેવાથી અટકવાનો નથી, મોદીના કહેવાથી પણ નહીં અટકે, કારણ કે આ કાયદાઓ થકી વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ધરાવતા પુરુષો બીજા પુરુષોને વિક્ટિમાઇઝ્ડ કરી શકે છે. બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવવા માટે સ્ત્રી માટે સુંવાળી લાગણી રાખતા પુરુષો એને ઉશ્કેરે છે, એને જેની સાથે શારીરિક સંબંધો હોય એના પર ઈર્ષાભર્યું વેર વાળવા. ડોમેસ્ટિક વાયોલન્સ માટે પતિ વિરુદ્ધની ચડામણી સ્ત્રીના પિતા, ભાઈઓ, બનેવીઓ કે મિત્રો ઉશ્કેેરે છે. દહેજની ફરિયાદ વેવાઈ પક્ષને પાંસરા કરવાના આશયથી સસરાઓ-સાળાઓ જમાઈ વિરુદ્ધ દાખલ કરાવે છે અને જમાઈના આખા કુટુંબને સાગમટે જેલમાં ધકેલી દે છે.
સમાજના દરેક સ્તરે ક્યાંક ને ક્યાંક અન્યાય બધાને જ થતો હોય છે, સ્ત્રીઓને અને પુરુષોને પણ. કુટુંબમાં પણ અન્યાય ક્યારેક ને ક્યારેક તો કોઈકને થવાનો જ, ક્યારેક સ્ત્રીને તો ક્યારેક પુરુષને, પણ સ્ત્રીનું ઉપરાણું તમે લેશો તો મહાન લાગશો. નહીં લો અને પુરુષનો પક્ષ ખેંચશો તો મારા જેવા ભૂંડા લાગશો. ભૂંડા શબ્દ પરથી ભૂંડ, સૂવર, સ્વાઇન, પિગ યાદ આવ્યું. તમને તો ખબર છે કે સ્ત્રીઓ માટે પોતાના વિચારો કોઈ ઢાંકપિછોડો કર્યા વિના જે પ્રગટ કરી દે એને અંગ્રેજીમાં શું કહેવાય છેઃ મેલ શોવિનિસ્ટ પિગ, એમસીપી. વાહ, સ્ત્રી માટે જે શોવિનિસ્ટ હોય, સ્ત્રીસૌજન્ય દાખવતો હોય એ પુરુષ આદરપાત્ર અને પુરુષસૌજન્ય પ્રગટ કરનારો પિગ! દુનિયામાં ખરો અન્યાય તો પુરુષોને થાય છે. કાળી મજૂરી કરીને બે પૈસા ઘરે લાવે અને એની સ્ત્રી એમાંથી દાણાપાણી ખરીદીને સંતાનોને રાંધીને ખવડાવે તો જમાડયું કોણે?
માએ. બાળક માટે મા બજારમાંથી પાછા આવતાં ચોકલેટ લઈ આવે તો ચોકલેટ કોણ લાવ્યું? મા. રમકડું કોણે અપાવ્યું? મમ્મીએ, સ્કૂલમાં જવાના પોકેટમની કોણે આપ્યા? મમ્મીએ, બાપનું આમાં કોઈ જ કોન્ટ્રિબ્યુશન નથી? કમાવા કોણ ગયું હતું? પણ મમ્મીઓ બહુ જ સરલ રીતે, અત્યંત સૂક્ષ્મ રીતે બાળકોને જતાવતી રહે છે કે તમને જે કંઈ સુખસગવડો મળે છે, તમારી જે કંઈ જરૂરિયાતો પૂરી થાય છે તે માટે કારણ તે જ છે. કદાચ એટલે જ આ સંતાનો મોટાં થયા પછી મમ્મા-મમ્માનું રટણ કરતાં રહે છે, બાપ તો સાલો હરામખોર અને રાક્ષસ હતો અને વઢયા કરતો, માર્યા કરતો, એવું માનતાં રહે છે.
ઇક્વાલિટી કંઈ માગવાથી કે કોઈના આપવાથી નથી મળી જતી. તમારી અંદર જે કંઈ છે તેને જતનપૂર્વક ઉછેરવાથી, એને ખાતર-પાણી આપીને વધારવાથી આવે છે. હું અંબાણી-અદાણીનો સમોવડિયો કેમ નથી, અમારા વચ્ચે સમાનતા કેમ નથી, મને પણ સમાન હક્ક આપો એવું પાટિયું લઈને કોઈ પુરુષ ધરણાં પર બેસી જશે તો હાસ્યાસ્પદ લાગશે. ૮મી માર્ચે નીકળતાં સરઘસો એટલાં જ હાસ્યાસ્પદ હોય છે.
મારી પૂજનીય માતાઓ, લાડકી બહેનો અને બહેનપણીઓ, તમારે ઊડવું હોય તો પાંખો તો છે જ તમારી પાસે. પછી આકાશ ઉછીનું શું કામ માગો છો?
પાન બનાર્સવાલા
સ્ત્રીઓ એકબીજાના ચોટલા ખેંચવાનું, એકમેકની ઈર્ષા કરવાનું અને પરસ્પરને ધિક્કારવાનું બંધ કરી દે એ પછી જ રિઅલ વુમન એમ્પાવરમેન્ટની શરૂઆત થશે.
- અજ્ઞાાત

મહિલા દિન વિશેષઃ નારી નવી જાગૃતિનો સૂર્ય ચમકાવે એટલી સમર્થ થઈ ગઈ છે


આઠમી માર્ચ - મહિલા દિન. વર્ષોથી આ દિવસે ઊગતો સૂર્ય દરેક નારીને નવી પ્રેરણા, નવી ચેતના આપી રહ્યો છે, પરંતુ આજે વર્ષો પછી, સદીઓથી નવી સમજણને મેળવીને નારી નવી જાગૃતિનો સૂર્ય ચમકાવે એટલી સમર્થ થઈ ગઈ છે, એની પાસે શું નહોતું એની રટણા એને પચી ગઈ છે અને એ નકારાત્મક દુનિયા એને હકારાત્મક જગત તરફ વાળવા નિમિત્ત બની ગઈ છે. મૂંગે મોઢે સીતમ સહેતી નારી હવે મૂંગે મોઢે કાર્યદક્ષ બનીને આગળ વધી રહી છે. ઈતિહાસનાં પાનાં ઊથલાવવામાં એ હવે સમય બગાડતી નથી પણ પોતાની સફળતાનો નવો ઈતિહાસ રચી રહી છે. એ પગથિયાં ચડતી જાય છે, હાંફવા છતાં નથી થોભતી કે નથી પાછું વળીને પોતે કેટલાં પગથિયાં ચડી ઉપર પહોંચી એનો હિસાબ રાખતી. એનું એક જ લક્ષ્ય છે કે હજી કેટલાં પગથિયાં ઉપર ચડ્યા પછી એ શિખરને આંબી શકશે?

ઈતિહાસ અને કવિતાએ નારીને જંપવા નથી દીધી. અહીં નારીવાદનો પ્રારંભ ક્યારથી થયો, એમાં કોણે કોણે મહત્ત્વનું પ્રદાન કર્યું એની રૂપરેખા આપવાનો કોઈ અભિગમ નથી. હાં, એટલી અપેક્ષા જરૂર રાખી છે કે કલા અને અન્ય સૌંદર્યલક્ષી રચનાઓમાં જ હવે નારી રમવાની નથી. એ ઉપરાંત એની પાસે ધબકતું અસ્તિત્ત્વ છે. આજે વર્ષોથી અનેક વિચારકો સમાજના આ સળગતા પ્રશ્ર્ન પર લખી રહ્યા છે, બોલી રહ્યા છે છતાં સમસ્યાઓ ઓછી નથી થઈ. જ્યાં સુધી આ સમસ્યાઓ શહેર કે ગામની સીમામાં ઘૂમતી રહેશે ત્યાં સુધી પ્રગતિ ઉપરાંત આવી સમસ્યાઓને નિર્મૂળ ન કરી શકે તો પણ હળવી બનાવવાની નેમ રાખવામાં સ્ત્રી પાછી પાની નથી કરવાની.
નારી પાસે શું નથી એની ગણતરી કરીને ઉતારી પાડવાના સફળ-નિષ્ફળ પ્રયત્નો સદીઓથી થયા હોવા છતાં આજની નારી જ્યારે પોતા પાસે શું છે એની વાત કરતાં ક્યાંય વિરામચિહ્નોનો આધાર નથી લેતી. એ આધુનિક છે પણ આક્રમક નથી. વર્ષોથી એની હૃદયસંપત્તિ તરફ જોયા વગર જ આધિપત્ય ધરાવનાર પુરુષને એ એક વાર નિરખવાની વાત કરે છે અને તે પણ પૂરેપૂરા આભિજાત્યથી. કવયિત્રી તાજેતરમાં પ્રગટ થયેલા કવિયત્રી પન્ના નાયકના ‘અંતિમે’ કાવ્યસંગ્રહની આ રચના છે. વર્ષોથી પરદેશમાં વસવા છતાં પોતાના જીવનને ધબકતું રાખનાર ગરવી ગુજરાતી ભાષા અને પોતાની ભારતીયતાને એમણે નખશિખ જાળવી છે ખાસ તો પોતાની કવિતામાં. વતન ઝુરાપો, દેશ ઝુરાપો વર્ષો વીતવાં છતાંય ક્યાંય ઝાંખો નથી પડ્યો. આ રચનામાં જે સ્ત્રી પોતાની વાત કરે છે એ પણ ભારતીય નારી છે. ઈશ્ર્વરે માણસને બનાવ્યો ત્યારે એની પૂર્ણતા - અપૂર્ણતાનો તાળો મેળવવાનું કામ એણે માણસ પર જ નાખ્યું. કવયિત્રી ધમાલિયા જીવનમાંથી થોડું એકાંત મેળવીને આવી રચનાઓ આપે છે. નાનકડી આંખ આખા વિશ્ર્વને સમાવી શકે પણ એને ભીતર સાચવવાનું કામ તો આપણું હૃદય કરે છે. એની સામે ભલભલા અત્યાધુનિક કમ્પ્યુટરનો ડેટા પણ અધૂરો લાગે. કવિતાની દરેક પંકિત આપણને આશ્ર્ચર્ય પમાડે છે. નારી પાસે આ બધી વસ્તુ હતી તે શું પુરુષ જાણતો જ નહોતો? હૃદયનું કામ ફકત ચાહવાનું છે, કોઈને ધિક્કારવાનું નથી. એક એક પંક્તિમાં પ્રગટ થતા હકારાત્મક ચીજોના ખજાનાની વાત જો આપણે એક વેદનાભર્યા આક્રોશ રૂપે લઈએ તો? તો તે આ કવિતાનું એક બીજું પાસું બની જાય છે. મન ચંચળ છે. સારા સાથે નરસા વિચારો પણ આવ-જા કરી લેતા હોય છે. આવું મનનું રૂપ જ એને સઢ વગરની નૌકા જેવું બનાવી દે છે. કોઈ પણ પંક્તિને અંતે આપણને પૂર્ણવિરામ નથી મળતો. એક એક પંક્તિ વિચારોની નવી દિશા તરફ ગતિ કરતી જણાય છે. નારીની આદર્શ પ્રતિમા પાછળ એનો સ્વાભાવિક ચહેરો ક્યારેક ઢંકાઈ જતો લાગે છે. હાથ જેમ બીજાને આપે, ત્યાગ કરે એ હાથના ધર્મની પરાકાષ્ઠા છે પણ જે હાથ અન્યને આપે તે ક્યારેક કંઈક મેળવવાની અપેક્ષા સાથે રિક્ત પણ હોઈ શકે. એ કોઈને દંડ આપવા માટે ઊંચકાતો પણ હોય. પગ કોઈના દુ:ખને હળવું કરવા, એ વેદનાથી ઘેરાયેલી વ્યક્તિની દિશામાં દોડી જાય છે પણ સાથે સાથે કોઈક વ્યક્તિ એને હાથ આપવા, મદદ કરવા દોડીને આવે એ પણ અપેક્ષિત હોય છે. પક્ષીઓના સવારના કિલકિલાટને આપણા સુધી લઈ આવનાર સવારનાં કિરણો છે પણ એ કિરણોની વાત તો નારીને સાંભળવા દો! સવારની ફૂલોની પ્રફુલ્લિતતા અને રાતાના તારાઓનો ટમકાર જાગીને માણતી સ્ત્રી - પોતાના રાતદિવસના ચક્રને ભરી દેનાર અનેક તત્ત્વોની ઝંખના કરતી હોય છે. મિત્ર ખડખડાટ હસાવીને સમસ્યાઓને હળવી બનાવે છે. પુસ્તકો વાંચવાની પ્રેરણા આપે છે, ઘર ઉલ્લાસી વાતાવરણને પૂરું પાડે છે. આ બધાને ચેતનાપૂર્ણ રાખનારી નારી છે. ટેલિફોન ફકત એક તરફી બનીને સહાનુભૂતિના સંદેશા વહેતા કરે એને બદલે ઝઘડીને, મીઠા છતાં મારકણા પ્રેમની અનુભૂતિ કરાવે એ વધુ ગમતી વાત છે. બગીચો ઉઘાડે પગે લટાર મારવા માટે ઘાસની ભીનાશનો સ્પર્શ કરાવે છે પણ એ ઉપરાંત બગીચાનો વૈભવ જોવા છતાં સ્ત્રી ક્યાં માણે છે! કોઈના આંસુ લૂછવા માટે સ્ત્રી પાસે રૂમાલ છે, પણ એનાં આંસુ લૂંછનાર રૂમાલ કોઈની પાસે છે ખરો? ક્ષણિક અનુકંપામાંથી જન્મેલું દર્દ દૂર કરનાર સ્પર્શ, વાણી એને તત્પૂરતા સુખ આપે પણ પછી શું? વારંવાર એક ઉદ્ગાર પ્રતિધ્વનિત થાય છે. ‘મારી પાસે છે અને જે માત્ર’.

ફકત હકારાત્મક ગુણોના ખજાના પર જીવતી નારી અહીં અપેક્ષિત નથી. આવા હકારાત્મક ઉદ્રાગોની પરંપરા રચવાની ઝંખના ધરાવનાર આ કવયિત્રી નથી. આ તો સ્ત્રીના અસ્તિત્વ સાથે જોડાયેલું એક મનગમતું સ્વપ્ન છે. હકારાત્મક ચીજોનો ખજાનો આપવાનો કવયિત્રીનો આશય કદાચ ન પણ હોઈ શકે. આટલી બધી હકારાત્મક ચીજોના ખડકલા નીચે નારી દટાઈ જવા નથી માગતી. એ તો નકારાત્મક ચીજોના અવરોધો વચ્ચેથી માર્ગ કાઢવા ઈચ્છે છે. આ કવિતા જેવું નર્યું સુખ જીવનસ્વપ્ન હોઈ શકે, પણ વાસ્તવિક્તા નહીં. આવા વિચારોની કેડી જાણે સ્ત્રીના અપેક્ષિત પરિચય તરફ આંગળી ચિંધે છે.

Get Update Easy