પૅરેન્ટ્સ પોતાનાં દીકરા-દીકરીને મિત્ર સમજી વ્યવહાર કરે તો મોટાભાગના પ્રશ્નોનો હલ આવી જાય. ચાણક્યે કહ્યું એમ ‘લાલયેત પંગ્જ વર્ષાણિ દશ વર્ષાણિ તાડયેત્ પ્રાપ્તે તુ ષોડશે વર્ષે પુત્રં મિત્રવદાચરેત’ અર્થાત પાંચ વર્ષ સુધી પુત્રને પ્રેમ કરો, દસ વર્ષ સુધી કડકાઇ રાખો પણ 16 વર્ષે તો મિત્ર જ બનાવી લો. ભારતમાં કૂદકે ને ભૂસકે વધતી ગળાંકાપ સ્પર્ધામાં દરેક બાળક સમયાંતરે રમતિયાળ, મસ્તીખોર, બેધ્યાની, નિષ્ફિકરુ હોય પણ એનો અર્થ એ નથી કે એમને જીવનમાં કશું બનવું જ નથી. એને પોતાની મનસૂફી મુજબ કોર્સ કરાવવા માગતાં મા-બાપોએ કિશોરોના મંતવ્યોનો છેદ ઉડાવી દેવાનું ભૂલી જવું પડશે. ઍક્ઝામ સ્ટ્રેસ વિશ્વભરમાં છે... પાશ્વાત્ય વિદ્યાર્થીઓ તો મરજૂઆના, ડ્રગ્સના રવાડે ચઢી પ્રેશર હળવું કરવા ગમે તે હદ સુધી જઇ શકે છે, પણ અહીં તો પૅરન્ટ્સના પ્રેશર કૂકરમાં વિદ્યાર્થીઓ પાસે બફાઇ જવા સિવાય કોઇ માર્ગ હોતો નથી. કરિયર માટે ફિલ્ડ્સની ક્યાં કોઇ કમી છે/ સચિનથી આમિર સુધી 12મું પણ પાસ ન હોવા છતાં ટ્રેન્ડ-સેટર છે. બાળકની આસપાસ ઍક્ઝામ... ઍક્ઝામ... કરીને તાણનું આવરણ રચવા કરતા એવું વાતાવરણ સર્જો જેમાં એ પૂરો ખીલી શકે... ધેટ્સ ઇટ! આંખોમાં સપનાં સજેલાં એ પંખીઓને ફક્ત કિનખાબી આકાશ મળે એની તમન્ના છે, આંખોમાં વારેવારે આવી જતાં ઝળઝળિયાંની નહીં.
હવા સે કહ દો ખુદ કો આઝમા કે દિખાયે, બહોત ચિરાગ બુઝાતી હૈ એક જલા કે દિખાયે...