
સર્વ
શિક્ષા અભિયાન (SSA) અંતર્ગત કરાર આધારીત જગ્યા પર કામ કરતા કર્મચારીઓ
માટે સારા સમાચાર છે. આ જગ્યા પર કામ કરતા ડ્રાયવર અને પટાવાળા સિવાયના
તમામ કર્મચારીઓના પગારમાં ૭.૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત
ડ્રાયવર અને પટાવાળાના પગારમાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સર્વ
શિક્ષા અભિયાન અંર્તગત બ્લોક કક્ષાએ અને તાલુકા કક્ષાએ પણ નિમણૂક પામેલા
કરાર આધારિત કર્મચારીઓના પગારમાં વધારો કરાયો હોવાનું જાણવા મળે છે. પગાર
વધારાનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેના
પગલે કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
પ્રાપ્ત માહિતી
અનુસાર સર્વ શિક્ષા અભિયાન અંર્તગત કરાર આધારીત જગ્યા પર કામ કરતા
કર્મચારીઓ જેમની જિલ્લા પ્રોજેક્ટ કચેરીઓ-કોર્પોરેશન અને બીઆરસી કક્ષાએ
સ્ટેટ પ્રોજેક્ટ ઓફીસ અથવા તો જિલ્લા પ્રોજેક્ટ કચેરી દ્વારા કરાર ધોરણે
નિમણૂક કરવામાં આવી છે તેમના પગારમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
છે. આવા તમામ જૂના કર્મચારીઓના પ્રવર્તમાન મહેનતાણાના દરોમાં વધારો કરવામાં
આવ્યો છે. પગાર વધારામાં જિલ્લાકક્ષાએ અથવા તો કોર્પોરેશન કક્ષાએ કામ કરતા
મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર, એમઆઈએસ, ટીચર્સ ટ્રેનિંગ, ગર્લ્સ એજ્યુકેશન,
કોમ્યુનિટી મોબીલાઈઝેશન, કો-ઓર્ડીનેટર, હિસાબી અધિકારી, ડેટા એન્ટ્રી
ઓપરેટર કમ ઓફીસ આસીસ્ટન્ટ અને ઈજનેરોના મહેનતાણાના દરોમાં ૭.૫ ટકાનો વધારો
કરવામાં આવ્યો છે. જ્યારે જિલ્લાકક્ષાએ કામ કરતા ડ્રાયવર કમ પટાવાળા અને
પટાવાળાના મહેનતાણાના દરોમાં ૧૦ ટકાનો વધારો કરાયો છે.
જિલ્લા અથવા
તો કોર્પોરેશન કક્ષાએ કામ કરતા કર્મચારીઓ કે જેમના કરાર માત્ર ત્રણ માસ
માટે જ લંબાવવામાં આવ્યા હશે તેમના મહેનતાણાના દરોમાં કોઈ જ ફેરફાર થશે
નહીં.
તાલુકા કક્ષાએ ૨૦૧૨, ૨૦૧૩ અને ૨૦૧૪માં નિમણૂક પામેલા
કર્મચારીઓને તેમની પ્રથમ એસએસએની હાજર તારીખને ધ્યાનમાં લઈ તે જ માસમાં
ફિક્સ મહેનતાણામાં વધારો કરવામાં આવશે. ઉપરાંત જિલ્લાકક્ષાએ ચાલતી
કેજીબીવીઓના કર્મચારીઓને આ મહેનતાણાના દરોમાં થયેલો વધારો લાગુ પડશે નહીં.
હવે જે નવા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે તેમને ૨૦૧૨માં નક્કી કરવામાં
આવેલા મહેનતાણાનાં દરો મુજબ જ મહેનતાણું ચુકવવાનું રહેશે.
|
