Teaching in the 21st Century
ડિયર ટીચર્સ,
પગાર પંચના અમલ માટે અભિનંદન, અને હજુ યે રીક્ષાવાળા કરતાં ય ઓછી કમાણીવાળા ફિક્સ વિદ્યાસહાયકપણા અને ખોટા પગારોના આંકડામાં સાચી સહી કરીને સ્વનિર્ભર સંસ્થાઓનું સ્વાસ્થ્ય તગડું બનાવવા માટે અફસોસ.
…અને દોસ્તો, અંગ્રેજીનું પેલું વિખ્યાત ક્વૉટ યાદ આવી ગયું કે એજ્યુકેશન લોકોને વાંચતાં લખતાં તો શીખવાડે છે, પણ શું લખવા-વાંચવા જેવું છે (કે નથી!) તેની પસંદગી શીખવાડી શકતું નથી!
બસ મારા વ્હાલા શિક્ષકમિત્રો, અહીં જ તમારો રોલ શરૂ થાય છે. નેવું હજારની ફી ભરીને જે શિક્ષણ સ્ટુડન્ટ મેળવી ન શકે, એ કોઈ ખરો જ્ઞાનપ્યાસી જીવ નેવું રૂપિયાની ફી ભરીને લાયબ્રેરી કે સાયબર કાફેમાં શીખી શકે છે. ૨૧મી સદીના શિક્ષકે પાઠ વાંચી જવાનો નથી, એમાં વિદ્યાર્થીઓને રસ લેતા કરવાના છે. રસ પડશે, તો પછી પાઠ આપોઆપ વિદ્યાર્થીઓ જ વાંચતા થઈ જશે. હવે ‘ઓપન એર બૂક્સ’નું શિક્ષણ ગયું, હવે તો ‘ઓપન યોર માઈન્ડ’નો જમાનો છે. અગેઈન, માલ્કમ ફૉર્બ્સનું વિશ્વવિખ્યાત ક્વૉટ. શિક્ષણનો હેતુ ખાલી દિમાગને (શુષ્ક માહિતીથી) ભરી દેવાનો નથી, પણ ખાલી દિમાગના સ્થાને ખુલ્લા દિમાગ ઘડવાનો છે!
આપ બધા ભણાવો છો, લોકો ભણે છે. પણ હજુ ખુલ્લા બનતા નથી. ખાલી જ રહે છે. ભારતમાં ઓનર કીલિંગ થાય છે. ટેરરિઝમ છે. વીસમી સદીમાં નહોતો એટલો વસમો જ્ઞાતિવાદ છે. સમાજમાં શિક્ષણનું પ્રમાણ આટલું વધે છે, તો ટ્રાફિક સેન્સ કેમ વધતી નથી? આટલી બધી કન્યાકેળવણી થયા પછી પણ કેળવાયેલાં કન્યારત્નોને કેમ પછાત, રિગ્રેસીવ, વાહિયાત માન્યતાઓ, ફિલ્મો અને સિરિયલો જ ગમ્યા કરે છે? શિક્ષિત લોકો મોંઘી ટિકિટ ખર્ચીને સસ્તા ગુજરાતી ટુચકા પર હસ્યા કરે છે?
શિક્ષકે શું ઘેર લઈ જવા માટે હોમવર્ક જ આપવાનું છે, વિદ્યાર્થીઓને? સોરી સર, સોરી મેડમ. તમારે એમને એક વિચારતું, વિકસતું અને વિસ્તરતું ભેજું આપવાનું છે, શાળામાંથી છૂટે ત્યારે ઘેર લઈ જવા માટે! એમની ગેરમાન્યતાઓના બંધિયાર દરવાજાઓના કાટ ખાઈ ગયેલા નકૂચાઓ દાંત ભીંસીને ઉઘાડવાના છે. એમનો એટિટ્યૂડ બદલાવવાનો છે. એમની એક આંખમાં સપના અને બીજી આંખમાં આશા આંજવાની છે.
ક્યારેક તો એમના દફતરમાં નોટબુક્સ, વર્કબૂક્સ, સ્વાઘ્યાયપોથીને બદલે કશીક આજીવન યાદ રહી જાય એવી કોઈ સરસ વાત મૂકો ને! એમને ગમી જાય એવું કશુંક કુતૂહલ એમની ફૂટપટ્ટી, પેન્સિલ, સંચા સાથે કંપાસમાં ગોઠવોને! બહુ બધી નહિ, તો એક-બે ઉપયોગી આદત એમને યુનિફોર્મ સાથે પહેરાવોને! સર્ટિફિકેટ ઓફ ઓનરની સાથે એને ઓનરથી જીવવા જેવો એકાદ સિદ્ધાંત છાતીએ કોતરીને મઢાવી આપોને!
તમે લોકો અકળાઈને કહેશો, એમ કેવી રીતે આ બધા જડસુઓના દિમાગ ખુલ્લા થાય? ગુરુવર્યો, એની ગુરુચાવી જ એ છે કે પહેલા આપણું પોતાનું દિમાગ આપણે ખુલ્લું કરવું પડે. નવી વાતોને સ્વીકારવી પડે, જૂની ભૂલોને કબૂલવી પડે. ભારતમાં શિક્ષણસંસ્થાઓ છે, પણ શિક્ષણ બહુ ઓછું છે. અઘ્યાપકો-શિક્ષકો બીડી-ગુટકાના બંધાણી છે. શિક્ષિકાઓ ગોસિપમાં વ્યસ્ત છે. પગાર પૂરો મળ્યા પછી પણ પરફોર્મન્સ પૂરું કરવું નથી. આપણી ક્રિકેટ ટીમ અને આપ બધા વચ્ચે ખાસ્સું એવું સામ્ય છે. કોઈ વાર એકાદ ખેલાડીની કુશળતા કે પરફોર્મન્સ પર આખી ટીમને જીતનો જશ મળી જાય છે, પણ બાકી જેટલાં શૂન્યો ચેકમાં ઉમેરાય છે,.. એટલા મેદાન પર રન ઉમેરાતા નથી!
સજ્જ બનો, સાહેબો. રજાના દિવસે, વેકેશનમાં થોડુંક પોતાના સબ્જેક્ટનું હોમવર્ક કરો – ફોર એ ચેન્જ. તમારા સબ્જેક્ટના કેટલાં પુસ્તકો અને મેગેઝીન્સ સ્વખર્ચે વધી ગયેલા પગારમાંથી મંગાવો છો? ઈન્ટરનેટ પર સર્ફિંગ કરી સ્ટુડન્ટસ સાથે શેર કરવા જેવી કેટલી વેબસાઈટની માહિતી રાખો છો? ખબર છે, આપ બધા ખૂબ સંમેલનો કરો છો. જાત-ભાતના સેમિનાર્સમાં પેપર રીડિંગ કરીને પોઈન્ટ સ્કોર કરો છો. પણ આ બઘું ગોખેલું, ઉધાર-ઉછીનું લીધેલું, બે-ચાર આડાઅવળા સોર્સમાંથી ‘કોપી’ કરેલું જ્ઞાન છે. જ્ઞાન નથી, પણ જ્ઞાનનો દેખાડો છે.
કેમ નવી કોઈ પેટન્ટ મળે એવો ધમાકેદાર રિસર્ચ રિપોર્ટ પીએચડીમાં રજૂ નથી કરાતો? કેમ થીસિસ બધી બની ગયેલી, ચવાઈને ચુથ્થો થયેલી જૂનીપુરાણી થીમના જ હોય છે? એમાં કશું ફ્યુચરિસ્ટિક નથી હોતું? કરન્ટ નથી હોતું? સેલફોન પર પ્રતિબંધ આવ્યો શાળા-કોલેજોમાં. કેટલાકે તરફેણ કરી, કેટલાકે વિરોધ. પણ અત્યાર સુધીમાં આપ બધામાંથી કોઈએ કશો ઓથેન્ટિક રિપોર્ટ કર્યો મોબાઈલ, ટીવી, ઈન્ટરનેટથી બદલાતા (બગડતા કે સુધરતા જેવા પૂર્વગ્રહો નહિ, જસ્ટ બદલાતા) શિક્ષણ અંગે? નવી ટેકનોલોજીને સિલેબસમાં સામેલ કરવા અંગે?
અને સામેલ કરવું એટલે કોમ્પ્યુટરની જેમ એક લેબ ઊભી કરીને એનું પેપર દાખલ કરવું, એમ નહિ. એનો ભણતરમાં એક હથિયાર તરીકે ઉપયોગ કરવો! સૂર્યમાળા પણ કોમ્પ્યુટર દ્વારા ક્લાસમાં બતાવી શકાય અને સરિસૃપોની શીતનિન્દ્રા પણ! હિન્દ છોડો આંદોલનનો ઇતિહાસ અને સરદાર સરોવર ડેમની ભૂગોળ પણ! બોલપેન જેવા જ આ બધા નવા ડિજીટલ ડિવાઈસ એક ટૂલ છે, મોડર્ન એજ્યુકેશનના! આઘુનિકતા એટલે નવા ગોગલ્સ, નવી પેટર્નના ડ્રેસ નહિ, આઘુનિકતા એટલે જૂનાં બંધનો, અંધવિશ્વાસુ નિયમો, પરંપરાના ચોકઠાંમાંથી આઝાદ થવું!
શિક્ષણની આખી પ્રક્રિયાને માત્ર એક શબ્દમાં જ મૂકવી હોય તો? વર્ષો પહેલાં એ જવાબ જગતને ભારતે આપેલો છે. પૃથ્વી પર દરેક શબ્દ, દરેક ઘટના, દરેક શિલ્પ, દરેક સર્જન પાછળ એક રસપ્રદ કહાની હોય છે. ક્યારેય વિસ્મય થયું છે એ સમજવાનું? જેના વિશે ઉંચી ડોકે આપણે મફતિયો ગર્વ જ પંપાળ્યા કરીએ છીએ, એવી એક મહાન વિદ્યાપીઠ હતી ભારતમાં – નાલંદા. કેટલાએ તસ્દી લીધી છે, એનો અર્થ સમજવાની? શબ્દો યાદ કરવા એ શિક્ષણ નથી, અર્થ સમજવો એ શિક્ષણ છે. નાલંદા એટલે ન અલમ દા. મતલબ, આટલું પૂરતું નથી!
ડિસ્કવરી ચેનલની કેચલાઈન યાદ આવી ગઈ? એક્સપાન્ડ યોર હોરાઈઝન્સ! ધરતી-આકાશ જ્યાં એકમેકમાં ઓગળતા હોય એ ક્ષિતિજને કદી સ્પર્શી નથી શકાતી, જેમ એને પકડવા ચાલો, એ દૂર ભાગતી જાય! પણ એ યાત્રા અવનવા અનુભવો આપે, નવી સમજ, નવી દિશા આપે. જૂની વ્યાખ્યાઓ તોડે એવું ફ્રેશ લર્નિંગ આપે. શિક્ષણનું પણ આવું જ છે. એમાં ભૂતકાળનો આદર છે, વર્તમાનનો સાક્ષાત્કાર છે અને ભવિષ્યનું ઘડતર છે.
બસ, એ માટે સતત શિક્ષકે ચાલતા રહેવું પડે. સ્થિતિઊર્જાનું ગતિઊર્જામાં રૂપાંતર કરતાં શીખવું પડે. પથ્થર જેવા વિદ્યાર્થીઓને પડતા મૂકી, બાકીની ભીની માટી પર ફોકસ કરવાની કુશળતા જાણવી પડે.
તમને ખબર છે પ્રિય મિત્રો, તમારી ઊંમર નોકરીમાં જેમ જેમ વધતી જશે, એમ એમ તમારા વિદ્યાર્થીઓની ઘટતી જશે. વિદ્યાર્થી હમેશાં ચિરયુવાન જ રહેવાનો છે. માટે અઘ્યાપક કે શિક્ષકને ઘરડાં થવું પાલવે નહીં. કરચલીઓ તન પર પડે છે, મન પર નવું શીખવાની ઈસ્ત્રી ફેરવી શકાય છે!
રિસ્પેક્ટેડ ટીચર્સ, રંગીન બનો, શોખીન બનો, કાબિલ બનો, ઝિંદાદિલ બનો. વિદ્યાર્થી તમારી વાણીમાંથી નહિ, વર્તનમાંથી અનુકરણીય આચરણ ગ્રહણ કરતો હોય છે. મૂલ્યો વર્ગમાં રોપવાં હોય, તો પહેલાં ખુદમાં ઉછેરવાં પડશે. તમે ગાઈડ છો, ગાર્ડિયન નથી. છોકરાઓ કેવાં કપડાં પહેરે છે કે કેવા સેલિબ્રેશન કરે છે – એમાં તમારું ઘ્યાન જ કેમ જાય? જો તમે તમારા કાર્યમાંથી નિષ્ઠાથી ખૂંપેલા હો તો? યાદ રાખજો, કોઈને સતત વખોડીને તેની નજીક જઈ શકાતું નથી.
ક્યારેક વિદ્યાર્થીના નામ-ઠામ કે ઘરપરિવારની વિગતને બદલે એને એના ગમા- અણગમા વિશે પૂછો. એના જીવનની હેપીએસ્ટ એન્ડ સેડેસ્ટ મોમેન્ટ વિશે જાણો. ક્યારેક એની મિથ્યાભિમાની માનસિકતા તૂટે એવી રોકડી ચર્ચા કરવાની ખુદ્દાર ખુમારી રાખો. પણ શિક્ષકે સિન્સિયર બનવાનું છે, સિરિયસ નહિ! લર્નિંગ ઇઝ એક્સાઈટિંગ પ્રોસેસ. ફીલ ધ ફન ઓફ ઇટ. ફક્ત હોંશિયાર જ નહિ, થોડા સ્ટાઇલિશ અને સ્માર્ટ બનો. માત્ર ઘડિયાળ-ઘરેણાં જ નહિ, ચહેરા પર થોડુંક સ્મિત પણ પહેરો!
જો આ બઘું બહુ વધારે લાગતું હોય, પરાણે-પરાણે કરવું પડતું હોય, જોબ પર બોર થઈ જતા હો, ચેલેન્જથી ભાગતા ફરતા હો તો પ્લીઝ એક વહેલી સવારે હસતા મોંએ રાજીનામું લખી નાખવું. વળતર મેળવવામાં જો આપણે મોકો ચૂકતા ન હોઈએ, તો પછી જવાબદારી નિભાવવામાં બહાનાં શા માટે? ભારતમાં ટીચીંગ પ્રોફેશન એક મોસ્ટ સિક્યોર્ડ, મોસ્ટ કમ્ફર્ટેબલ, હાઈ રિટર્ન, લેસ કોમ્પિટિટિવ જોબ છે. એટલે જ એજ્યુકેશન ખાડે ગયું છે!
ક્વૉલિટી માત્ર ઉપરથી આવતા કંટ્રોલથી નહિ, અંદરથી ઊભી થતી સ્પર્ધાત્મક અસલામતીથી પણ જળવાય છે. શિક્ષકના પગાર સમાજમાં સર્વોચ્ચ હોવા જોઈએ, એ સંસ્કાર પ્રોડક્શન પબ્લિક લિમિટેડનો સીઈઓ છે. પણ એની નોકરી કાયમી નહિ, ગુણવત્તાના ધોરણે હંગામી હોવી જોઈએ. ટ્યુશનમાં કમાતા ટીચર્સને ક્યાં સેફ્ટી હોય છે?
અઢળક શૈક્ષણિક વ્યાખ્યાઓના અંગત અનુભવે બે વાત જડી છે: ગુજરાતના ઘણા યુવા ટીચર્સ એમના પુરોગામી જેવા આળસુ નથી. એમનામાં ઉત્સાહ છે, યંગથીંગ્સ સાથેનું સાહજિક કનેક્શન પણ છે. બીજું, જૂના-નવા ઘણા-ખરા શિક્ષકો ફક્ત ‘એક્ઝામિનેશન સીસ્ટમ’ બની રહેતી એજ્યુકેશન સીસ્ટમથી ફસ્ટ્રેટેડ છે, બોર થયેલા છે. સંચાલકો કે સ્ટુડન્ટસ સામે નિખાલસ નહિ બનતા હોય, પણ અંદરખાનેથી એમની સહાનુભૂતિ વિદ્યાર્થીઓ સાથે, અને ખટપટ સામે છે.
તો હમખયાલો, હમદર્દો…. નેકી ઔર પૂછપૂછ? ક્યાં સુધી સત્ય, સાહસ, સંશોધન, સંઘર્ષને ભણાવી દેવાના જ વિષયો સમજશો? સંગઠિત થઈને જૂનો ઢાંચો ફગાવી નવી પઘ્ધતિનાં વધામણાં કરો! બદલી-બઢતી સિવાય ક્યારેક ક્રિએટીવ એક્ઝામ્સ અને ઇમેજીનેટિવ અભ્યાસક્રમ માટે પણ આંદોલન કરો! એકનાં એક ભાષણો સાંભળી ભોજન સમારંભોમાં ગંદકી વધારવાને બદલે જરા પોતાના જ ક્ષેત્રની ગંદકી ઉલેચવાનો પરાક્રમયજ્ઞ કરો.
મોલ, મલ્ટીપ્લેક્સ, મોબાઈલના જમાનામાં ફિલ્મોએ પણ બદલાવું પડે છે, તો સ્કૂલો-કોલેજો કેમ નહિ? કોઈપણ ક્ષેત્રમાં વિકાસ ત્યારે જ થાય, જ્યારે એમાં કામ કરતી ટીમમાં એવરેજ અને એક્સલન્ટ પરફોમર્સ વચ્ચેનો ગેપ ઘટતો જાય! સદનસીબે, રાજ્યથી રાષ્ટ્ર સુધીના વડેરા નેતાઓ શિક્ષણના પરિવર્તન બાબતે પૂરા સંમત છે. પણ વિદ્યાવ્યાવસાયીઓ એકમત છે ખરા?
ફુરસદે રજાનો લાભ લઈ, ગાંધીનગરના અક્ષરધામ ખાતે તૈયાર થયેલો આંતરરાષ્ટ્રીય સ્તરનો (ભારતનો એકમેવ) વૉટર શૉ જોવા જજો. સાયન્સ એન્ડ સ્પિરિચ્યુઅલિટીનો અદ્ભુત અનુભવ તો થશે જ, પણ ભારતીય વારસાનું એક સ્વર્ણિમ પ્રકરણ યાદ આવશે – યમ, નચિકેતા સંવાદનું! કઠોપનિષદના આ બાળનાયકે યમ પાસેથી સેંકડો વર્ષોનું આયુષ્ય, સમ્રાટના રાજપાટ, વિશ્વના વૈભવવિલાસ, હેલ્થ-વેલ્થ-પાવર બઘું જ મૂકીને શું માગ્યું હતું?
જ્ઞાન!
હે જ્ઞાનમાર્ગીઓ, હેરી પોટરથી સ્ટાર વોર્સ સુધીનું તેજ તમને પ્રાપ્ત થાઓ એ જ પ્રાર્થના. પણ શિક્ષક દિને જો બદલાશો નહિ, તો બદલશો કેવી રીતે? રજનીશથી લઈને બિલ ગેટ્સ સુધીના શિક્ષકો આપણને શીખવે છે, માત્ર બે જ શબ્દો: નો (know) એન્ડ ગ્રો (grow). પહેલાં જાણો, પછી વિકસો. શિક્ષણસેતુના આ બે કિનારા છે. શિક્ષક એટલે જ્ઞાનના અજવાળાનો રક્ષક અને અજ્ઞાનના અંધારાનો ભક્ષક!
ઑલ ધ બેસ્ટ. કીપ ઇટ અપ. યુ આર ધ લાસ્ટ હોપ!
લિખિતંગ
શીખતાં બાળક અને શીખવતા શિક્ષકને જોઈને અમથેઅમથું મલકાતું એક બુદ્ધુ બચ્ચું.
ફાસ્ટ ફોરવર્ડ
‘શિક્ષણનો મૂળ હેતુ છે અરીસાઓને બારીમાં બદલવાનો!’