૧૨ મી જાન્યુઆરી એ સ્વામી વિવેકાનંદ નો જન્મદિવસ
ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો !
સ્વામી વિવેકાનંદનો જન્મ મકરસંક્રાંતિના તહેવાર ની પૂર્વસંધ્યાએ સોમવાર તા. 12મી જાન્યુઆરી 1863ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યુ હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઇ કોર્ટમાંએટર્ની હતા. નરેન્દ્રનાથે પોતાનો અભ્યાસ ઘરેથી શરૂ કર્યો હતો પરંતુ પછીથી તેઓ સન 1871માંઇશ્વરચન્દ્ર વિદ્યાસાગરસંસ્થામાં દાખલ થયા હતા અને સન 1879માં તેમણે પ્રવેશ પરિક્ષા પાસ કરી હતી. તેમને વિવિધ વિષયોમાં રસ હતો અને તેઓ તત્વજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, વિનયન, સહિત્ય અને અન્ય વિષયોમાં વિદ્વતા ધરાવતા હતા.તેમણે વેદ ,ઉપનિષદો , ભગવદ્દગીતા , રામાયણ , મહાભારત અને પુરાણો માં ઉંડો રસ દાખવ્યો હતો. તેઓ શાસ્ત્રિય સંગીતમાં, ગાયકી વાદ્ય એમ બન્નેમાં જાણકાર હતા.
નરેન્દ્રનાથે સન 1880માં કલકત્તા ખાતે પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો હતો અને બીજા વર્ષે તેઓએ કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધુ હતું.તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર, પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપના રાષ્ટ્રોના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો. સને 1981માં તેમણે લલિત કલાની પરિક્ષા પાસ કરી હતી અને સને 1884માં તમણે વિનયન સ્નાતકની પરિક્ષા પાસ કરી હતી.કહેવાય છે કે નરેન્દ્રનાથે ડેવિડ હ્યુમ, ઇમેન્યુઅલ કેંટ, જોહાન ગોટ્ટ્લીબ ફીશે, બારુક સ્પીનોઝા, જ્યોર્જ ડબલ્યુ. એફ. હેગેલ, આર્થર શોપનહોર, ઓગસ્ટી કોમ્ટેકોમ્ટે, હર્બર્ટ સ્પેંસર, જોન સ્ટુઅર્ટ મીલ, અને ચાર્લ્સ ડાર્વિનના લેખનકાર્યોનું વાંચન કર્યુ હતું.
પોતાનો પ્રવાસ ચાલુ રાખીને તેમણે અમદાવાદ, વઢવાણ, લીંબડીની મુલાકાત લીધી. અમદાવાદમાં તેમણે ઇસ્લામ અને જૈન સંસ્કૃતિ પરનો તેમનો અભ્યાસ પૂરો કર્યો.લીંબડીમાં તેઓ ઇંગ્લેન્ડ અને અમેરિકા જઇ આવેલા ઠાકોર સાહેબ જસવંતસિંહને મળ્યા. વેદાંતનો ઉપદેશ આપવા પશ્ચિમના દેશોમાં જવાનો સર્વ પ્રથમ વિચાર સ્વામીને ઠાકોર સાહેબ પાસેથી મળ્યો. પાછળથી તેમણે જુનાગઢ, ગિરનાર, કચ્છ, પોરબંદર, દ્વારકા, પાલિતાણા,વડોદરાની મુલાકાત લીધી. પરિવ્રાજક રહેવાની પ્રતિજ્ઞા છતાં વિદ્વાનપંડિતો પાસે પોતાના તત્વચિંતન અને સંસ્કૃતના અભ્યાસને પાકો કરવા પોરબંદરમાં તેઓ પોણું વર્ષ રહ્યા.વેદનો અનુવાદ કરનારા દરબારના પંડિત સાથે તેમણે કામ કર્યું.
એર્નાકુલમ ખાતે 1892ના ડીસેમ્બરના પ્રારંભમાં તેઓ નારાયણ ગુરુના ગુરુ ચટ્ટમ્પી સ્વામિકલને મળ્યા. એર્નાકુલમથી તેમણે ત્રિવેન્દ્રમ, નાગરકોઇલનો પ્રવાસ કર્યો અને 1892મા ક્રિસમસની પૂર્વસંધ્યાએ પગે ચાલીને કન્યાકુમારી પહોંચ્યા. કન્યાકુમારી ખાતે સ્વામીએ ‘‘છેલ્લા ભારતીય ખડક’’ પર બેસીને ત્રણ દિવસ ધ્યાન ધર્યું હોવાનું કહેવાય છે. આ ખડક પાછળથી વિવેકાનંદ ખડક સ્મારક તરીકે જાણીતો થયો.
11 સપ્ટેમ્બર 1983ના રોજ શિકાગોના આર્ટ ઈન્સ્ટિટ્યુટ ખાતે ધર્મ સંસદની શરૂઆત થઈ.. આ દિવસે વિવેકાનંદે પોતાનું પ્રથમ ટૂંકુ વક્તવ્ય આપ્યું. તેમણે ભારત અને હિન્દુ ધર્મ વિશે વાત કરી.શરૂઆતમાં થોડો ગભરાટ અનુભવતા હોવા છતાં તેમણે વિદ્યાના દેવી સરસ્વતીને પ્રણામ કરીને પોતાનું વક્તવ્ય , “અમેરિકાના ભાઈઓ અને બહેનો!” સાથે શરૂ કર્યુ. આ શબ્દો માટે સાત હજારની મેદનીએ ઉભા થઈને તાળીઓ પાડીને તેમનું સન્માન કર્યુ અને બે મિનિટ સુધી આ સન્માન ચાલ્યુ. ફરી જ્યારે શાંતિ સ્થપાઈ ત્યારે તેમણે પોતાનું વક્તવ્ય શરૂ કર્યુ. સૌથી યુવાન રાષ્ટ્રોમાંના એકનું અભિવાદન કરતાં તેમણે આ રાષ્ટ્ર વિશે જણાવ્યુઃ “વિશ્વમાં સાધુઓની સૌથી પ્રાચીન પરંપરા, વેદની સન્યાસી પરંપરા, ધર્મ કે જેણે વિશ્વને સહનશીલતા અને વૈશ્વિક સદભાવ શીખવ્યો છે.” અને તેમણે આ સંદર્ભે ભગવદ ગીતાના બે ફકરા ટાંક્યા—”જેવી રીતે બે વિભિન્ન પ્રવાહોનો સ્રોત અલગ-અલગ ઠેકાણે હોય છે પણ તેનું પાણી સમુદ્રમાં ભેગુ થાય છે, તેવી રીતે હે પ્રભુ, માણસની વિવિધ પ્રથાઓ અલગ-અલગ ભલે લાગતી હોય, પરંતુ તે તમામ રસ્તાઓ તારા સુધી લઈ આવે છે!” અને “જે કોઈ પણ મારી પાસે આવે છે, ભલે ગમે તે સ્વરૂપમાં આવે, હું તેના સુધી પહોંચુ છું; તમામ પુરુષો સમગ્ર માર્ગ પર સંઘર્ષ કરતા રહે છે, પરંતુ આ તમામ રસ્તાઓ આખરે મારા સુધી લઈને આવે છે.”ટૂંકું વક્તવ્ય હોવા છતાં, સંસદનો સાર તથા વસુધૈવ કુટુમ્બકમની ભાવના તેમાં અભિવ્યક્ત થતી હતી.
ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો !