આજનો વિચાર
- ચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે.
ગુરૂ પૂર્ણિમા - જાણો જીવનમાં ગુરૂનું મહત્વ
મનુષ્યનો પ્રથમ ગુરૂ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શિક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે.આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે.જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે.ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે.
ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ ૧૫ ના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે શિષ્ય તેના ગુરુ પ્રત્યે તેનો અહોભાવ, તેનો સમર્પણનો ભાવ વ્યક્ત કરે છે. ગુરુ ભક્તિનું આ અનેરુ પર્વ છે. ગુરુ પૂર્ણિમા એ ગુરુ પ્રત્યેનું ૠણ અદા કરવાનો પવિત્ર અવસર છે.ગુરુથી કોઈ શ્રેષ્ઠ તત્વ નથી, ગુરુથી અધિક તપ નથી અને ગુરુથી વિશેષ કોઈ જ્ઞાન નથી એવા શ્રી ગુરુદેવને નમસ્કાર કરી આપણે ગુરુ પ્રત્યેનો આપણો અહોભાવ વ્યક્ત કરીએ છીએ.ગુરુ વંદનાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગુરુ પૂર્ણિમાં. ગુરુ પૂર્ણિમાનાં દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે.આપણાં શાસ્ત્રો, ગ્રંથોમાં ગુરુ અને ગુરુ પદનો મહિમા અને ગુણગાણનું અદ્ભૂત વર્ણન છે.
ગુરુ પુર્ણિમા એટલે ભારત વર્ષની ગુરુ પરંપરાનો દિવસ, ભારતીય સંસ્કૃતિની ગરિમાનો દિવસ, અંધકારથી પ્રકાશ તરફ ગતિ કરવાનો દિવસ, ગુરુ કૃપાનો પ્રાપ્તિ દિવસ, જીવનમાંથી અજ્ઞાનરુપી અંધકારને દૂર કરવાનો દિવસ, જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો દિવસ, આદ્યાત્મિક જગતના મહાન પર્વનો દિવસ, ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરવાનો દિવસ, ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ વ્યકત કરવાનો દિવસ, ગુરુએ બતાવેલ આદર્શોના માર્ગે ચાલવાનો સંકલ્પ કરવાનો દિવસ, ગુરુ શિષ્યના પવિત્ર મિલનનો દિવસ.
શિવ મહિમ્ન શ્રોત્રમાં પુષ્પદંત કહે છે કે,ગુરુથી શ્રેષ્ઠ કોઈ નથી -
મહેશાન્નાપરો દેવો મહિમ્નો નાપરા સ્તુતિઃ અઘોરાન્નપરો મંત્રો નાસ્તિ તત્ત્વં ગુરોઃ પરમ્.. ." ." """.- ....
ગુરુ નો એક અર્થ વિશાળ, મોટું, મહાન થાય છે.
ગુરુ એટલે ઊંમરમાં મોટા નહીં પણ તેમના વિચારોમાં મહાન, તેમના મનથી મહાન, તેમના જ્ઞાનમાં મહાન.
ગુ એટલે અંધકાર અને રુ એટલે દૂર કરનાર, ગુરુ એટલે અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર.
ગુરુ એટલે પથ દર્શક, આપણા જીવનના ઘડવૈયા, પતિતોના ઉધ્ધારક, મુક્તિ દાતા.
ગુરુ એટલે ફક્ત પુસ્તકીય જ્ઞાન આપનાર શિક્ષક નહીં પણ ગુરુ એટલે જીવનનું પુસ્તક સમજાવનાર.
પૂર્ણિમા એટલે સૌથી તેજસ્વી રાત્રી, સૌથી પ્રકાશિત રાત્રી.
ગુરુ એટલે પૂર્ણિમાના ચંદ્ર સમાન જ્ઞાનનો પૂર્ણ તેજસ્વી પ્રકાશ ફેલાવે.
ગુરુ શિષ્યની અજ્ઞાનમય અંધકારથી ભરપૂર જીવન રાત્રીમાં સત્ય અને જ્ઞાનનો પ્રકાશ રેલાવે છે.
ગુરુ શિષ્યના જીવનમાં વૈચારિક ક્રાંતિ લાવે છે.
આપણે કહીએ છીએ કે...
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वररः ।
गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः ॥
ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર : |
ગુરુ સાક્ષાત્ પરં બ્રહ્મ તસ્મૈ શ્રીગુરુવે નમ : ||
ગુરુ બ્રહ્મા છે જે સર્જન કરે છે, ગુરુ વિષ્ણુ છે જે પાલન પોષણ કરે છે અને ગુરુ મહેશ છે જે વિસર્જન કરે છે. જે સદ્ગુણોનું સર્જન કરે, સુવિચારોનું પાલન પોષણ કરાવે અને આપણા દૂર્ગુણોનું વિસર્જન કરે, નાશ કરે તે ગુરુ છે.
ધ્યાન મૂલમ્ ગુરુ મૂર્તિ,
પૂજા મૂલમ્ ગુરુ પદમ્,
મંત્ર મૂલમ્ ગુરુ વાક્યમ્,
મોક્ષ મૂલમ્ ગુરુ કૃપા…..
ધ્યાન ધરવા માટેનું મૂળ ગુરુજીનું સ્વરૂપ છે,પૂજા કરવા માટે ગુરુજીના ચરણ કમલ છે,ગુરુજીનાં વચનો અને ઉપદેશ એ એક મંત્ર જેટલાં જ પવિત્ર અને પ્રેરક છે અને છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુજી ની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે.
ધ્યાન કરવા જેવી જો કોઈ મૂર્તિ હોય તો તે ગુરુની મૂર્તિ છે, ગુરુનું સ્વરુપ છે, પૂજા કરવા જેવી વિભૂતિ હોય તો તે ગુરુ પાદૂકા છે, ગુરુના ચરણ કમળ છે, ગુરુ વાક્ય, ગુરુ ઉપદેશ, ગુરુ વચન એ મંત્ર સમાન છે, ગુરુની કૃપાથી જ મોક્ષ મળે છે, મુક્તિ મળે છે.
ગુરુ કૃપા મુર્તિ છે, ગુરુ કૃપા સાગર છે.
કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર જેવા ૫ મહાન શત્રુઓથી મુક્તિ અપાવે તે ગુરુ.
ગુરુ શિષ્યના હ્નદયમાં પરમાત્માની પ્રાપ્તિની ભૂખ જગાડે.
ગુરુ સત્યનો ઉપદેશ આપે.
ગુરુ શિષ્યના જીવનને ચરિતાર્થ કરે.
ગુરુ શિષ્યને મળેલ મનુષ્ય અવતાર સફળ બનાવે.
ગુરુ મોક્ષનો માર્ગ બતાવે.
ગુરુ કુંભારની જેમ શિષ્યના જીવનને ઘાટ આપે, જીવનનું યોગ્ય ઘડતર કરે.
ગુરુ બહારથી કઠોર લાગે પણ અંદરથી બહું જ કોમળ હોય. ગુરુની કઠોરતા શિષ્યના ભલા માટે હોય છે.
ગુરુ શિષ્યને કલ્યાણનો માર્ગ બતાવે.
ગુરુ સંસાર સાગર તરવાનો માર્ગ બતાવે.
જીવનમાંથી મોહ, માયા, આસક્તિ દૂર કરે તે ગુરુ.
માનવીને સાચો માનવ બનાદે તે ગુરુ.
જીવનમાં સારા નરસાનું ભાન કરાવે તે ગુરુ.
જીવનમાં સત્ય પ્રગટાવે તે ગુરુ.
જીવનમાં વિવેક જગાડે તે ગુરુ.
જીવનમાં સાચી દિશા બતાવી મંઝિલે પહોંચાડે તે ગુરુ.
જીવનમાં ઈશ્વરની અનુભૂતિ કરાવે તે ગુરુ.
માનવ શ્રેષ્ઠ, ગુણ શ્રેષ્ઠ અને જ્ઞાન શ્રેષ્ઠ એવી પ્રેમની જીવંત મૂર્તિ એ જ ગુરુ છે.
ગુરુની કૃપા દ્રષ્ટિ પામવા સમર્પણ, ત્યાગ અને નિસ્વાર્થ ભાવથી ગુરુની પૂજા કરવી, ગુરુની સેવા કરવી, ગુરુની આજ્ઞા માનવી.
માણસનો બે વખત જન્મ થાય છે, પહેલો જન્મ માતાની કૂખથી અને બીજો જન્મ સદ્ગુરુની હૂંફથી.
માતાની કૂખેથી થતા પહેલા જન્મ દ્વારા દેહ મળે છે, જ્યારે ગુરુની હૂંફથી થતા બીજા જન્મ દ્વારા દીક્ષા મળે છે, જ્ઞાન મળે છે.
પ્રથમ જન્મ સમયે બાળક રડે છે, જ્યારે બીજા જન્મ સમયે જ્ઞાનનો પ્રકાશ મળતાં હસે છે, આનંદીત થાય છે.
પહેલા જન્મની યાત્રા જન્મથી મૃત્યુ સુધીની છે, જ્યારે બીજા જન્મની યાત્રા જન્મથી મોક્ષ સુધીની છે.
પ્રથમ જન્મથી મોહ માયાનાં બંધન પેદા થાય છે જ્યારે બીજા જન્મથી મોહ માયાના બંધનમાંથી મુક્તિ મળે છે.
સિકંદરે કહ્યું છે કે,
" મારા માતા પિતા મને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર લઇ આવ્યા પણ ગુરુએ તો મને પૃથ્વી ઉપરથી સ્વર્ગમાં લઇ જવાનો માર્ગ બતાવ્યો."
ચાણક્યએ કહ્યું છે કે,
"ગુરુની ગોદમાં પ્રણય અને પ્રલય બંને ઉછરી શકે છે."
ગુરુ તો પરમ પરમાત્માથી પણ વિશેષ છે, તેથી જ સંત કબિરે ગાયું છે કે...
ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય
પૂજ્ય મોરારિ બાપુ તો કહે છે કે, "ગુરુ વ્યક્તિ નથી, વ્યક્તિત્વ પણ નથી, અસ્તિત્વ છે."
દલપત પઢિયારના મત મુજબ, "ગુરુ વ્યક્તિ તરીકે નબળો હોઇ શકે પણ ગુરુપદ કદી નબળું ન હોઇ શકે."
શિવ આદિ ગુરુ છે, વિશ્વ ગુરુ છે.
શ્રી ગોસ્વામી તુલસીદાસજી વંદના પ્રકરણમાં ગુરુ વંદના કરતાં કહે છે કે,
"બંદઉ ગુરૂ પદ કંજ કૃપા સિંધુ નરરૂપ હરિ l
મહામોહ તમ પુંજ જાસુ બચન રબિ કર નિકર ll"
- મહામોહના ગાઢ અંધકાર માટે જેમનાં વચનો સૂર્યકિરણ રૂપ છે એ કૃપાસાગર અને મનુષ્ય રૂપમાં સાક્ષાત શ્રી હરિ એવા ગુરુદેવનાં ચરણકમળને હું વંદું છું.