આજનો વિચાર
- જે તદ્દન નિ:શ્વાર્થ ભાવે સેવા કરે છે તેને અનાયાસે અપાર સુખ મળે છે.
કેટલાક ચીંતકો–જેમણે દુનીયા બદલી નાંખી
સ્ટીફન હોકીન્સ આધુનીક યુગના એક મહાન
વૈજ્ઞાનીક છે. હમણાં એમણે એવી આગાહી કરી કે માણસજાત જો રૉબો(ટ) બનાવવામાં
આગળ વધતો રહેશે તો માણસ જ માણસનો નાશ કરશે. એમણે અવકાશયાત્રાનો પણ વીરોધ
કરેલો. એમણે આપેલી બ્લેક હોલની થીયરી જાણીતી છે. યુરોપમાં એક મોટો
વૈજ્ઞાનીક પ્રયોગ થયો ત્યારે પૃથ્વીના ઉદ્ભવની એક નવી જ થીયરી બહાર આવી.
બેઠા રહે છે અને ચીન્તન કરતા રહે છે.
છેલ્લી દોઢ–બે સદીમાં દુનીયામાં ચારથી પાંચ એવા વીચારકો થઈ ગયા. જેમણે દુનીયાનો નકશો બદલી નાંખ્યો. આ વીચારકોમાં કાર્લ માર્ક્સનું
નામ પહેલું આવે. એણે 40 વરસ હાઈડલ બર્ગની યુનીવર્સીટીના પુસ્તકાલયમાં બેઠા
રહીને દુનીયાભરનાં થોથાં વીંખી નાખ્યાં. એને સમજાતું નહોતું કે લાખો વરસ
પછી પણ દુનીયામાં આટલી બધી ગરીબી અને બેરોજગારી કેમ છે ? દુનીયામાં આટલી
લડાઈઓ કેમ થાય છે અને આટલું બધું શોષણ કેમ થાય છે ? એણે બધા ધર્મગ્રંથો
વાચી નાખ્યાં અને એવો નીષ્કર્ષ કાઢ્યો કે ‘ધર્મ એ માણસને પાવામાં આવેલું અફીણ છે. રીલીજીયન ઈઝ ધી ઓપીયમ ઓફ ધી પીપલ.’ એણે ‘દાસ કૅપીટલ’ નામનું પુસ્તક લખ્યું જે દુનીયાભરની લાઈબ્રેરીઓમાં પહોંચી ગયું. એણે લખ્યું કે ‘ધર્મો
એ માનવના શોષણનું મોટામાં મોટું સાધન છે. ધર્મોએ જ પાપ–પુણ્યની વીચારધારા
ઉપજાવી કાઢી. ધર્મે જ જન્મ અને પુનર્જન્મની તદ્દન અતાર્કીક વીચારધારા
ઉપજાવી કાઢી.’ માણસનો સાચો દુશ્મન એની મુડી છે. મુડીનું યોગ્ય વીતરણ
થાય તો શોષણનો પ્રશ્ન જ ન રહે. આમાંથી જ સામ્યવાદનો ઉદય થયો. ખુબી એ થઈ કે
સામ્યવાદનો ઉદ્ભવ જર્મનીમાં થયો અને માર્ક્સની વીચારધારાનો અમલ લેનીને
રશીયામાં કર્યો. રશીયા પછી ચીન પણ સામ્યવાદના માર્ગે થયું. પુર્વ યુરોપના
બલ્ગેરીયા, ચેકોસ્લેવીકીયા, પોલેન્ડ અને હંગેરી જેવા દેશો પણ સામ્યવાદના
રંગે રંગાયા.
એ પછી યુરોપમાં ફ્રોઈડની
વીચારધારા આવી. ત્યાં સુધી યુરોપની ખ્રીસ્તી વસ્તીમાં સેક્સ એટલે કે
જાતીયતા તરફ ભારે સુગ પ્રવર્તતી હતી. લોકો સેક્સની ચર્ચા કરતાં પણ અચકાતા
હતા. ખ્રીસ્તી સાધ્વીઓને પરણવાની મનાઈ હતી. ફ્રોઈડે પહેલી વાર કહ્યું કે
‘જાતીયતા મનુષ્યની સ્વાભાવીક વૃત્તી છે. જેમ માણસને પીવા માટે પાણી જોઈએ,
ભુખ છીપાવવા માટે ખોરાક જોઈએ તેમ જ શારીરીક સુખ માટે સેક્સ જોઈએ. જો સેક્સ જ
ન હોત તો મનુષ્યની ઉત્પત્તી ન થઈ હોત.’ પ્રારંભમાં ફ્રોઈડની આ
વીચારધારા સામે ભારે વીરોધ થયો. પણ પછી ધીમે ધીમે દુનીયાએ આ વીચારધારા
સ્વીકારી લીધી. ફ્રોઈડે બીજું મહત્ત્વનું કામ સ્વપ્નોના અર્થઘટનનું કર્યું.
કયા પ્રકારનું સ્વપ્ન આવે અને શા કારણે આવે એની તલસ્પર્શી સમીક્ષા એણે
કરી. આજે દુનીયાભરની યુનીવર્સીટીઓમાં, ‘મનોવિજ્ઞાન ભવનો’માં ફ્રોઈડની
વીચારધારા ભણાવાય છે.
આવા જ ત્રીજા મહાન વીચારક આદમ સ્મીથ
નામના અર્થશાસ્ત્રી હતા, એમણે દુનીયાને મુક્ત વેપાર અને ફ્રી માર્કેટ
ઈકોનોમીક નામની સ્વતંત્રતાની વીચારધારા આપી. એનો આશ્રય લઈને આદમ સ્મીથે
પુછ્યું કે, ‘જો વાણીસ્વાતંત્ર્ય હોય તો વેપારમાં અંકુશ શા માટે ?’ એણે
સાબીત કર્યું કે અંકુશ હટાવી લેવાય તો વેપારધંધા વીકસે. અમેરીકાએ અને
યુરોપના ઘણા દેશોએ આ વીચારધારા અપનાવી. જોકે બ્રીટને મીશ્ર અર્થતંત્ર એટલે
કે સમાજવાદ અપનાવ્યો.
આવા એક મહાન વૈજ્ઞાનીક ન્યુટને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાન્ત આપીને દુનીયાભરમાં ખળભળાટ મચાવી દીધો. એણે સાબીત કર્યું કે ‘ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે અને પૃથ્વી સુર્યની આસપાસ ફરે છે. એ ગુરુત્વાકર્ષણના નીયમને કારણે ફરે છે.’
આજે માણસજાતે સંખ્યાબંધ ઉપગ્રહો બ્રહ્માંડમાં ફરતા મુક્યા છે એને કારણે જ
આપણે ઘરે બેઠા ટી.વી. ઉપર સંખ્યાબંધ ચેનલો જોઈ શકીએ છીએ. અમેરીકાએ
તાજેતરમાં એક નવો ઉપગ્રહ તરતો મુક્યો છે. જેનો ઉદ્દેશ બ્રહ્માંડમાં પૃથ્વી
જેવો એક નવો ગ્રહ શોધવાનો છે. આઈન્સ્ટાઈનની સાપેક્ષતાની વીચારધારાએ પણ જ્ઞાનવીજ્ઞાન વીકસાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. એ જ રીતે ચાર્લ્સ ડાર્વીને ઉત્ક્રાંતીવાદનો સીદ્ધાન્ત આપ્યો. એણે શોધ કરી કે ‘મનુષ્યની ઉત્પત્તી વાનરમાંથી થઈ છે. પછી કાળક્રમે વાનરની પુંછડી નાબુદ થઈ અને ધીમે ધીમે આજના મનુષ્યનો ઉદ્ ભવ થયો.’ દુનીયાભરના
પ્રચલીત ધર્મો કહે છે કે મનુષ્યની ઉત્પત્તી બેથી પાંચ હજાર વર્ષ પહેલાં થઈ
હતી. પરીણામે ધર્મ અને વીજ્ઞાન વચ્ચે જબરું ઘર્ષણ થયું. કેટલાક
વૈજ્ઞાનીકોને જેલમાં પુરવામાં આવ્યા અને કેટલાકને જીવતા સળગાવી દેવાયા.
અન્તે આ ઘર્ષણમાંથી સેક્યુલારીઝમના સીદ્ધાન્તનો જન્મ થયો. આ સીદ્ધાન્તનો મર્મ એ છે કે ‘ધર્મ એ માણસની અંગત વસ્તુ છે. કેળવણી, અર્થતંત્ર અને કાયદા સાથે એનું મીશ્રણ ન કરવું જોઈએ.’ ડાર્વીને જુદાં જુદાં પ્રાણીઓની ઓળખ કરી આપી અને સાબીત કર્યું કે ‘સમાનતા
અને અસમાનતાને સમજાવવી કઠીન નથી. ઘણા દ્વીપોમાં રહેનારાઓના પુર્વજો એક
હતા. જેઓ વીકસીત થતાં થતાં ધીરે ધીરે પરીવર્તન આવવા લાગ્યું. આ પરીવર્તનનું
ચક્ર નીરન્તર છે. જીવન માટે જે ઉપયોગી હોય એ રહેશે અને નકામું હશે એ નષ્ટ
થશે. પરીણામે અત્યારે છે એના કરતાં પણ ભવીષ્યનો મનુષ્ય જુદો હશે.’
1860માં બ્રીટીશ સામયીકોમાં અનેક લેખો છપાયા. જે ડાર્વીનના સીદ્ધાન્તો ઉપર હુમલો કરતા હતા. પણ હક્સ્લીએ ડાર્વીનને ટેકો આપ્યો. એમણે મજાકમાં પુછ્યું કે ‘તમારા દાદાઓ વાનર હતા ?’ ડાર્વીને જવાબ આપ્યો કે, ‘પસંદગી કરવાની હોય તો હું એક વાનરને દાદા સમજુ; નહીં કે કોઈ ચર્ચના બીશપને.’
બીજી બાજુ કેટલાક ધર્મના અનુયાયીઓ હજી પણ
એમ જ કહે છે કે વીશ્વનું સર્જન ઈશ્વરે કર્યું છે અને એ બેથી ચાર હજાર વરસ
પહેલાં થયું છે. એની સામે ડાર્વીનની થીયરી સાચી હોય એના અનેક પુરાવા મળી
આવ્યા છે. અમેરીકા અને કેનેડામાં ડાયનોસોર બનાવવામાં આવ્યા છે. પણ કેટલાક
ધર્મચુસ્તો હજી વીજ્ઞાનનાં તથ્યોને માનવા તૈયાર નથી. આ ધર્મચુસ્તો એમ પણ
માને છે કે માણસ ચન્દ્ર ઉપર ગયો જ નથી. અમેરીકી વીજ્ઞાન સંસ્થા નાસાની
પ્રયોગશાળામાં આ નાટક ભજવાયું હતું એમ પણ લોકો કહે છે; પણ કેટલાક લોકોની
અન્ધશ્રદ્ધાથી વૈજ્ઞાનીક તથ્યો ખોટાં ઠરતાં નથી. અમેરીકામાં એક જુથે
ઈન્ટેલીજન્ટ ડીઝાઈન નામની થીયરી વીકસાવી કાઢી છે. ત્યાંની અદાલતે જણાવ્યું
કે આ થીયરી વૈજ્ઞાનીક રીતે ખોટી છે. વૈજ્ઞાનીક અભીગમ કહે છે કે તથ્યો કસોટી
અને અનુભવની એરણ ઉપર સાચાં સાબીત ન થાય ત્યાં સુધી તે માની શકાય નહીં. જે
તત્ત્વો ઈન્દ્રીયાતીત છે તેને વીજ્ઞાન સ્વીકારતું નથી. આને કારણે ધર્મ અને
વીજ્ઞાનનાં કાર્યક્ષેત્રોને જુદાં પાડી દીધાં છે.
આવો જ એક વધુ વીચારક માર્સલ મેક્લુહાન નામે થઈ ગયો. એનો જન્મ કેનેડામાં એડમન્ટન ખાતે થયો હતો. 51–52માં એણે ‘ગ્લોબલ વીલેજ’ એટલે કે ‘વૈશ્વીક ગામડા’(વીશ્વગ્રામ)ની કલ્પના કરી. એણે કહ્યું કે ‘એક દીવસ એવો આવશે કે દુનીયા ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનીકેશનની દૃષ્ટીએ એકદમ સાંકડી થઈ જશે.’
રાબેતા મુજબ એ જમાનામાં લોકોએ ગાંડો કહીને એને હસી કાઢ્યો. પણ આજે એને
‘મીડીયા પ્રોફેટ’ કહીને એની પુજા કરવામાં આવે છે. સુપરસોનીક વીમાન મુંબઈથી
લંડન ચાર કલાકમાં પહોંચાડી દેશે. આ ટ્રાન્સપોર્ટની ક્રાન્તી કહેવાય.
ઈન્ટરનેટની મદદથી દુનીયાની કોઈ પણ માહીતી ઘરે બેઠાં મળી શકે છે. લંડન કે
ન્યુયોર્કનો કયો વીસ્તાર ક્યાં આવેલો છે એ બટનની ચાંપ દાબતાં તમને ખબર પડી
જાય છે. ફેક્સની મદદથી કોઈ પણ લખાણ કે તસવીર કે ચીત્ર ઘડીના છઠ્ઠા ભાગમાં
દુનીયાના એક ખુણેથી બીજા ખુણે પહોંચી જાય છે. મોબાઈલ ફોનમાં વીડીયો કેમેરા
પણ આવી ગયા છે. વીડીયો કેસેટમાંથી સીડી અને ડીવીડી સુધીની યાત્રા આપણે પાર
કરી. હવે તો આઈપોડ ઉપર પાંચસોથી છસો જેટલાં ગીતો એકસાથે ઉતરી શકે છે.
સ્ટીવન્સન અને આઈન્સ્ટાઈન
પણ દુનીયાને આગળ લઈ જવામાં મદદરુપ થયા. આઈન્સ્ટાઈને સાપેક્ષવાદની થીયરી
આપી. તો સ્ટીવન્સને ચાની કીટલીનું ઢાંકણું ઉછળતું હતું તે જોઈને વરાળની
શક્તી પારખીને આગગાડીની શોધ કરી. તો રાઈટ બ્રધર્સે ઉડતું પંખી જોઈને વીમાન બનાવ્યું. હજી વીજ્ઞાનની શોધખોળો એટલી ઝડપથી આગળ વધી રહી છે કે આવતીકાલે કઈ શોધ થશે એ કોઈ કહી શકતું નથી. આમ, આ ડાર્વીનની 200મી જન્મજયન્તી નહીં; પણ ધર્મ અને વીજ્ઞાનના ઘર્ષણની જન્મજયન્તી છે.
આપણે યુરોપની જેમ અન્ધશ્રદ્ધા અને વહેમોમાંથી બહાર નહીં નીકળીએ ત્યાં સુધી
21મી સદીમાં પ્રવેશી ગયાની વાતો માત્ર ટૅકનીકલ રહેશે. હજી દેશમાં ઠેર ઠેર
અન્ધશ્રદ્ધા, વળગાડ અને ભુતપ્રેતમાં લોકો માને છે. આપણે સમજવું જોઈએ કે
દુનીયામાં સાચો ધર્મ એ માનવધર્મ છે. વીધી ધર્મ પણ જ્યાં સુધી નીતીમત્તામાં
માનતો હોય ત્યાં સુધી વાંધો નથી. પણ વીધી ધર્મ એમ.એમ. રોયની થીયરી મુજબ
સામુહીક અહમ્ માં ફેરવાય ત્યારે મુસીબત સર્જાય છે. આપણો એક પગ અણુયુગમાં અને બીજો પગ છાણયુગમાં છે.
ડાર્વીનને આપણે માત્ર યાદ કરવાની ઔપચારીકતા ન કરવી હોય તો આપણે વૈજ્ઞાનીક
અભીગમ અપનાવીશું તો જ એને સાચી અંજલી આપી ગણાશે. આપણી સરકારે અબજોના ખર્ચે
ચન્દ્ર ઉપર યાન મોકલ્યું; પણ આપણે માત્ર વિજ્ઞાન અપનાવીએ અને વૈજ્ઞાનીક અભીગમ ન અપનાવીએ તો એ અર્થહીન છે.