ભારતમાં ‘એક્ઝામિનેશન’ સીસ્ટમ છે, ‘એજ્યુકેશન’ સીસ્ટમ નથી !
વિજ્ઞાની સી.એન.આર.રાવને સચીનની સાથે વાજબી રીતે જ “ભારત રત્ન” મળ્યો ( અને સચીનને ય એનું યોગદાન અને પ્રચંડ પ્રભાવ જોતા વાજબી રીતે જ મળ્યો છે. હા, આ બહાને મિત્ર ભુપેન્દ્રસિંહ રાઓલ કહે છે એમ, ખેલાડીઓની એન્ટ્રી શરુ થઇ એ સારું કમ સે કમ જુના નવા દસ ખેલાડીઓ આપણી પાસે છે – જે રાજકારણીઓથી વિશેષ આ સન્માનના અધિકારી ગણાય ! દેશ બનાવવામાં નેતા-અભિનેતા, સેનાની-વિજ્ઞાની, કલાકાર-રમતવીર, ઉદ્યોગપતિ-શિક્ષક સહુ કોઈનું યોગદાન હોય છે, મહાસત્તાઓ દરેકને બિરદાવે છે. રાવસાહેબનો પરિચય વાંચતાવેંત એમને સલામી આપવાનું મન થાય એવો છે. વાંચીને ખબર પડશે રાબેતા મુજબ એમનું મન વિશાળ અને વિશિષ્ટ બનાવવામાં ય પશ્ચિમનો ફાળો સવિશેષ રહ્યો છે, અને ઘણા સાવ આસ્થાવિરોધી ડાબેરી મિજાજનાં લોકો માને છે, એથી વિરુદ્ધ આવડા મોટા ચુસ્ત વિજ્ઞાનપ્રેમી એમની માતાએ સંભળાવેલી ભારતીય વારસાની કહાનીઓ થકી આધ્યાત્મિક હોવાનું ય સ્વીકારે છે. હા, રાવસાહેબનાં અધધધ રિસર્ચ પેપર્સમાં યદાક્દા વિદ્યાર્થીઓની ક્રેડિટ અંગે વિવાદો થયા છે, એ માટે રીડરબિરાદર કથન શુક્લે ધ્યાન ખેંચેલી અને કોઈ એક જ બાબત પરથી તરત માણસની આખી જિંદગીનું જજમેન્ટ ના લેવાય એ આપણી શિક્ષણપદ્ધતિ આપણને શીખવાડતી નથી !
ખેર, રાવ સાહેબ પર અત્યારે તો બધા ઓળઘોળ થયા છે, પણ એમને બિરદાવતો પહેલો અને કદાચ એકમાત્ર લેખ ગુજરાતીમાં લખ્યાનું ગૌરવ હું સકારણ લઇ શકું. કારણ કે લેખમાં એમને જે મુદ્દે બિરદાવ્યા છે – એ વાત સ્વતંત્રપણે હું વર્ષોથી કહું છું અને આનંદ છે કે ઘરે ભણીને મારામાં જે વિચારો આવ્યા એ આ વિજ્ઞાનમહાર્ષિ આખી દુનિયાની ટોચની શિક્ષણસંસ્થાઓમાં આટલા અનુભવ પછી કહે છે. મતલબ, ઉપરવાળો આપણને સાચી દિશાના વિચારો આપે છે :)આ લેખમાં લખ્યું એ ખરેખરો મુદ્દો છે, જે માટે કોઈ પણ ભેદભાવ વિના આખા દેશના સમજુ માણસોએ સાચી લાગણી દુભાવવી જોઈએ અને સુધારા માટે સમય-શક્તિ ખર્ચવા જોઈએ. બધા એકસાથે આમાં એકમત થઇ અવાજ ના ઉઠાવે ત્યાં સુધી માં કદાચ સચીનનો રેકોર્ડ તૂટી શકે , પણ આમાં પરિવર્તન આવશે નહિ !
ચાલો , વાંચો ને વિચારો એ લેખ હવે.
==================================
એક્ઝામ્સ આઇપીએલ સ્ટાઈલમાં લેવાતી હોત તો ?
તો ત્રણ કલાકનું પેપર એક કલાકનું કરી દેવાયું હોત ! દર દસ મિનિટે કોમર્શિયલ બ્રેક આપવામાં આવતો હોત ! અચાનક અઘરો પ્રશ્ન આવી જાય, તો એમાં ‘ફ્રી હિટ’ લઈને સ્ટુડન્ટ બધા જ માર્કસ લઈ શકત. પહેલી અડધી કલાકને પાવર પ્લે ગણી, એમાં કલાસમાં કોઈ સુપરવાઈઝરની એન્ટ્રી જ ન હોત ! એકઝામ પહેલા જ સ્ટુડન્ટસને જોબ નહિ, એડવાન્સ સેલેરી પણ ચૂકવાઈ જતી હોત. અને હા, દરેક કલાસમાં ચીઅર ગર્લ્સ રાખવામાં આવી હોત, જે કોઈ પણ વિદ્યાર્થી એક પેજ જવાબનું લખે એટલે કોઈ સીટીમાર સોંગ પર ઠુમકા લગાવતી હોત !
* * *
આ લેખનું ટાઈટલ છે ઃ ‘ભારતમાં એક્ઝામિનેશન સીસ્ટમ છે, એજ્યુકેશન સીસ્ટમ નથી !’ અને આ વાત કોણે કોને કહી છે ? આ વાત (વારંવારના મહેણાટોણા અને અદાલતથી અન્ના સુધીની શિખામણોથી ટેવાતા જતા બિચારા) વડાપ્રધાન મનમોહનસંિહને એમના પોતાના જ સાયન્ટિફિક એડવાઈઝર ચિંતામણિ નાગેશ રામચંદ્ર રાવ ઉર્ફે સી.એન.આર. રાવ સાહેબે કહી છે ! એ ય પછી લેખિતમાં ! રાવ સાહેબ રીતસર ચિંતાતુર છે. અને એ કોઈ જેવી તેવી મિડિયા મેઈડ પૂનમ પાંડેછાપ સેલિબ્રિટી નથી. ૧૯૩૦માં બેંગાલૂરૂમાં જન્મેલા રાવજી ભારતના ખ્યાતનામ વિજ્ઞાની છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ લેનારા (એટલે એમને પશ્ચિમથી અંજાયેલા કહેવામાં સાત વાર વિચાર કરવો !) સીએનઆર રાવ અમેરિકામાં પીએચડી થયા છે. પછી આઇઆઈટી કાનપુરમાં કેમિસ્ટ્રીના હેડ રહ્યા છે. દસ વર્ષ સુધી ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ જેવી ભારતની સૌથી વઘુ પ્રતિષ્ઠિત એવી સંશોધન સંસ્થાના સર્વોચ્ચ વડા રહી ચૂક્યા છે. (બાય ધ વે, ૧૮૯૩માં જમશેદજી ટાટા અને સ્વામી વિવેકાનંદની એક શિપમાં થયેલી મુલાકાતમાં થયેલી ચર્ચા પછી, આ ધરખમ સંસ્થા ૧૮૯૮માં લોર્ડ કર્ઝને અને બાદમાં લોર્ડ મિન્ટોએ મંજૂર કરેલી અને નોબેલ વિજેતા વિલિયમ રામસેએ એનો પાયો નાખવામાં ભૂમિકા ભજવેલી !) રાવસાહેબ વિશ્વપ્રસિદ્ધ ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેકલ્ટી રહી ચૂક્યા છે. અને અત્યારે ‘એસ.એ.સી.પી.એમ.’ યાને સાયન્ટિફિક એડવાઈઝરી કાઉન્સિલ ટુ પ્રાઈમ મિનિસ્ટરના અઘ્યક્ષ છે.
આવા ઘુરંધર વિદ્વાને ધનનંદના દરબારમાં શિખા ખોલીને ઉભેલા ચાણક્ય જેવો પુણ્યપ્રકોપ વડાપ્રધાનને લખેલા પત્રમાં ઠાલવ્યો છે. કોઈ કડક શિક્ષક તોફાની વિદ્યાર્થીને કલાસરૂમ વચ્ચે ખખડાવી નાખે, એમ રાવજીએ સરકારી તંત્રને ધધલાવ્યું છે, કહો કે કાન આમળ્યો છે. પણ આપણે ત્યાં તેજસ્વી તારલાઓની જાહેરાતોથી જેટલી ‘ખલબલી’ મચે છે, એટલી ક્યાં કદી શિક્ષણ અંગેના સાચા પ્રશ્નો અંગે મચે છે ? વિશ્વવિદ્યાલયો રાજકારણીઓના રમકડાં થઈ ગયા છે, અને યુનિવર્સિટીઝની ફેવરિટ એક્ટિવિટિઝ એકેડેમિક નહિ, પણ પોલિટિકલ હોય છે. સ્ટુડન્ટસને મોરાલિટી શીખવાડવાવાળાઓ જ એટલા વેલ્યૂલેસ બનતા જાય છે કે કાયમી નોકરીમાં ચોંટેલા ન હોય, તો પોતાની જાતે પાણીપુરીની રેંકડી ન ચલાવી શકે !
આપણે એવો નઘરોળ સમાજ બનાવીને બેઠા છીએ કે અહીં સીમ પરના કિસાનોથી લઈ સરહદ પરના જવાનો માટેના ચિંતાચતુરો છે – પણ બિચારા ગામડાથી શહેર સુધીના યુવાનો માટેનો અવાજ ઉઠાવવાવાળો કોઈ એકલદોકલ ચિંતામણિ છે ! સી.એન.આર. રાવની મતદાન કરવાનું પણ ભૂલી જતા નરમ નરમ પ્રધાનમંત્રીને અપાયેલી સખત સખત ટિપ્પણીઓના અંશો વાંચવા જેવા છે. એ પત્રમાં લખાયું છે :
‘‘વી (ઈન્ડિયા) ઈઝ હેવિંગ એન એક્ઝામિનેશન સીસ્ટમ, બટ નોટ એન એજ્યુકેશન સીસ્ટમ ! વ્હેન વિલ યંગ પીપલ સ્ટોપ ટેકિંગ એકઝામ્સ એન્ડ ડુ સમથિંગ – વર્થવ્હાઈલ ? ક્યારે આ દેશનું યૌવન સતત પરીક્ષાઓ આપવામાંથી મુક્ત થઈ, વાસ્તવમાં કશુંક ઉત્તમ, અગત્યનું કામ કરી બતાવશે ?’’
રાવ આગળ ફરમાવે છે : આપણી સમગ્ર પરીક્ષાપદ્ધતિ ફેરવિચારણા માંગી લે છે. ફાઈનલ એકઝામ્સ, એન્ટ્રન્સ એક્ઝામ્સ, ક્વોલિફાઇંગ એક્ઝામ્સ, સિલેકશન એક્ઝામ્સ….સબ કુછ છતાં ય હજુ તો મેડિકલ ગ્રેજ્યુએટ્સ અને પોસ્ટ ગ્રેજ્યુએટ્સ માટે એક્રેડિટેશન એક્ઝામની ચર્ચા ચાલે છે !
જેઈઈ જેવી ‘ધરખમ’ આઈઆઈટી એન્ટ્રસ ટેસ્ટને (અહીં ‘કેટ’ એવું વાંચી લેવાની પણ છૂટ છે !) પણ રાવજીએ ‘આડે હાથોં’ લીધી છે : આઇઆઈટી (આઈઆઈએમ પણ ખરી) એકઝામ્સ અઘરી અને હેતુપૂર્ણ હોવાનો દબદબો ધરાવે છે. પણ કૂમળા જવાન દિમાગો પર તેની નેગેટિવ ઈફેક્ટ થાય છે. આવી એન્ટ્રન્સ એક્ઝામ્સમાં યેનકેન પ્રકારે સફળ થવા યુવાવર્ગ ભારે પીડામાંથી પસાર થાય છે, અને એ બધામાં શિક્ષણ માટેનો જે સાહજીક રોમાંચ છે – એ જ ગુમાવી દે છે ! લાખ્ખો વિદ્યાર્થીઓ માટે પ્રિમિયમ ઈન્સ્ટિટયુટસના દરવાજા બંધ થઈ જાય છે, એમની ક્ષમતા નીચોવાઈ જતા એ લોકો પોતાને નકામા સમજીને હતાશ થાય છે, સારો દેખાવ કરી શકતા નથી.
આટલો તેજાબ રેડ્યા પછી રાવે ચોખ્ખું સંભળાવી જ દીઘું છે (જે મુઠ્ઠીભર સમજદાર દેશપ્રેમીઓની વર્ષો જૂની હૈયાવરાળ છે, પણ મહાન સંસ્કૃતિના નગારાનાદમાં દબાઈ જાય છે !) કે ‘‘ભારતની એક પણ (રિપીટ, એક પણ) એવી શિક્ષણ સંસ્થા નથી જે આઘુનિક વિકસિત દેશોની શ્રેષ્ઠ શિક્ષણસંસ્થાઓની સમકક્ષ મુકાબલા માટે ઉભી પણ રહી શકે ! આ એ સમય છે કે આપણે આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ, કારણ કે આજે ભારત ‘યુવાન’’ છે. (યંગ પીપલનું પોપ્યુલેશન મેક્ઝિમમ છે). આગામી ૨૦-૩૦ વર્ષમાં શ્રેષ્ઠ તાલીમબદ્ધ માનવપ્રતિભાઓનો પૂરવઠો ભારત જગતને આપી શકે તેમ છે. આવું કરી બતાવવું એ જ આપણું રાષ્ટ્રીય ઘ્યેય હોવું જોઈએ !”
રાવજીએ માત્ર ઠપકો જ નથી આપ્યો. દિશા પણ ચીંધી છે. અમેરિકામાં હાઈસ્કૂલ પાસ કરનાર વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન મેળવવા માટે દેશભરમાં એમની રિઝનિંગ, લોજીક જેવી બૌદ્ધિક ક્ષમતા માપતી એક જ એક્ઝામ ‘સેટ’ (છે….ક ૧૯૦૧ થી !) લેવાય છે. જાતભાતની એડમિશન એન્ટ્રન્સ આપવાનો બોજો નહિ. વધારામાં પોતાની ક્ષમતા સાબિત કરવી હોય તો ૧૯૪૨થી ‘જીઈડી’ જનરલ એજ્યુકેશનલ ડેવલપમેન્ટ એક્ઝામ છે. જેમાં ગણિત, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભાષાલેખન અને ભાષાવાંચન એ પાંચ સબ્જેક્ટસ હોય છે. રાવસાહેબના મતે સતત દરેક યુવા વિદ્યાર્થીને એક પૂરી કરે ત્યાં બીજી પરીક્ષાની સોયો ઘોંચીને કંતાયેલા કોથળા જેવા બનાવી દેવાને બદલે એક અધિકૃત રાષ્ટ્રવ્યાપી પરીક્ષા હોવી જોઈએ, જે એમનું હાયર એજ્યુકેશન માટેનું એન્ટ્રી લેવલ મેરિટ સેટ કરી દે. રાઈટ. સાવ પરીક્ષા નાબૂદી ન થાય, તો એને નિયંત્રણમાં લઈ શકાય ને ! આજે તો એવી હાલત છે કે નાના બાળકો સિવાય કોઈ પાસે રિયલ વેકેશન જ નથી રહ્યું ! બધા જ કોઈને કોઈ નેકસ્ટ કોર્સ કે એન્ટ્રન્સ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં બીજાઓથી આગળ નીકળી જવાની મથામણમાં જ ગૂંચવાયેલા રહે છે.
સતત ભીડમાં ચાલો, તો બીજાઓના ઠોંસા ખાઈને, ગરમીમાં શેકાતા પોતાનું સંતુલન જાળવવાની જગ્યા કરવાનો થાક તો લાગે ને ! પછી આપણી ‘જેન્નેકસ્ટ’ પાસે નવું શીખવાની હોંશ, નવું જાણવાની ફુરસદ નથી રહેતી. અરે એમની જીંદગી, કુદરત, લાગણી, સંબંધ અંગેની સમજ પણ બફાયા વિના ઉતારી લેવાયેલા કાચા બટાકા જેવી થઈ જાય છે. એટલે કહેવાતા સકસેસફુલ અને ઈન્ટેલીજન્ટ લોકો રોજીંદી બાબતોમાં સાવ ‘ડોબા’ પૂરવાર થાય છે. અને સા’બ કે મે’મસાબને અભણ રેંકીડવાળો પણ આસાનીથી ઉલ્લૂ બનાવે છે.
એકચ્યુઅલી સીએનઆર રાવે તો એચઆરડી મિનિસ્ટ્રીને ભારતીય ઉચ્ચ શિક્ષણની સમસ્યાઓ અને પડકારોના ૧૦ ચેકપોઈન્ટની યાદી જ પોતાના પત્ર સાથે પકડાવી દીધી છે. એમની ઇચ્છા એવી છે કે (લોકપાલની અદામાં) એક ટાસ્કફોર્સ બને અને એક જ વર્ષમાં આ અંગેનું એક વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરી, તેનો અમલ કરવામાં આવે. રાવસાહેબના મતે ભારતની શક્યતાઓ ધરાવતી ૧૦ ટોચની શિક્ષણસંસ્થાઓ પસંદ કરી એ ‘ઉજ્જડ ગામમાં એરંડા પ્રધાન’ જેવો વટ મારી ફી વસૂલ્યા કરે – તેને બદલે તે દુનિયાની સામે રીતસર ટક્કર લઈ શકે તેવી સ્ટ્રોંગ એન્ડ અપગ્રેડેડ બનાવવી જોઈએ. ગ્રામીણ ભારતની ટેલેન્ટસને પૂરતી તક નથી મળતી, માટે જરૂર પડે રેસિડેન્શ્યલ હાઈસ્કૂલો બનાવીને પણ ખૂણેખાંચરે પ્રતિભાઓનું ઘડતર કરવું જોઈએ. મહત્ત્વનો એમનો મુદ્દો એ ય છે કે આજે આપણે ત્યાં ડિગ્રીઓમાં ‘મેનપાવર મિસમેચ’ છે. જે બેકારી વધારે છે. કોઈ એક જ કોર્સ / સબ્જેક્ટમાં જરૂર કરતા અનેકગણા વઘુ એક્સપર્ટ દર વર્ષે આપણે પેદા કરીએ છીએ, અને કેટલાક અગત્યના ક્ષેત્રોના ઝરણા આ બધી તેજીની ગરમીમાં સૂકાઈ જાય છે.
પરંતુ, જ્યાં જીન્સ પહેરવા કે ચોકલેટ-રોઝ ડેની ઉજવણી પ્રતિબંધિત કરવાને શિક્ષણના શુદ્ધિકરણની જ્વલંત સિદ્ધિ માની લેવાતી હોય ત્યાં આ આક્રોશ અરણ્યરૂદન જ રહેવાનો !
* * *
ગુજરાતના બે જીલ્લા ભાવનગર અને સાબરકાંઠામાં જ ડિજીટલક્રાંતિ પહેલા એવા કેળવણીકારો પેદા થયા હતા કે માત્ર એમની આંગળી પકડી હોત, તો ભારત આજે મહાસત્તા બની ગયું હોત. વ્યક્તિઓ ગઈ, વિચારોમાં વૃદ્ધિ થવાને બદલે એ શો કેસમાં મૂકવાના ડેકોરેશન પીસ બની ગયા. ફોટોગ્રાફના વૃક્ષને કદી ફળ ન આવે, ન ત્યાં પંખીઓ માળા બાંધે ! અમદાવાદની સૌથી સમૃદ્ધ શિક્ષણ સંસ્થા ગાંધીજીની ગૂજરાત વિદ્યાપીઠ છે, એવા અહેવાલો છે (જમીન, મિલકતો ઉપરાંત ૯૦-૯૫ કરોડની સત્તાવાર સિલક છે !) પણ હજુ ત્યાં ભૂતકાળની ભવ્યતા છે, ભવિષ્યની ભવ્યતાનું શું ? હા, દિવ્યતાની વાતો જરૂર થાય છે. કારણ કે, જૂના કંકાલોને પકડી રાખવામાં આપણને અનેરો આનંદ આવે છે. નશો ચડે છે. સા વિદ્યા યા વિમુક્તયેનું સૂત્ર આપણે દેશનિકાલ કરી દીઘું છે. શિક્ષણ એ છે કે જે સ્વતંત્ર બનાવે, જે જૂનું તોડીને નવું રચનારા સાહસિકો પેદા કરે. એજ્યુકેશન ફ્રીડમ આપે, તો ક્રિએટિવિટી આવે, તો પર્સનાલિટીની તેજ ધાર નીકળે, તો ઉક્રાંતિ થાય, મા-નવ નિર્માણ થાય.
૨૦૧૧માં શિક્ષણ ઉપરની એક કાચીપાકી સફળ થયેલી ફિલ્મ આવી : ફાલતુ, રેઢિયાળ રીતે બનેલી આ ફિલ્મમાં કલાઈમેક્સના સોંગના શબ્દો-કોરિયોગ્રાફી સિવાય કશો ભલીવાર નહોતો. ફિલ્મની થીમ ઘણાને ગમી ગઈ. એમાં વિદ્યાર્થીઓની ધૂટન અંગેનો બળાપો છે. જડ સીસ્ટમ સામેનો બળવો છે. ફિલ્મ મૌલિકતાનો, ચાલુ ચીલાને છોડી પોતાની આગવી રાહ જાતે મનગમતી રીતે કંડારવાની વાત કરે છે. અંદરની ઓરિજીનલ ટેલન્ટની પહેચાન કરી આગળ વધવાનો સંદેશ આપે છે.
કલેપ કલેપ કલેપ. તાલીયાં. હવે આવો સંદેશ આપતી આ ફિલ્મ પોતે જ ૨૦૦૬ની હોલીવૂડ ટીન ફિલ્મ ‘એકસેપ્ટેડ’ની ૦.૫ મેગાપિકસેલના ચાઈનીઝ મોબાઈલ વીજીએ કેમેરામાંથી પાડેલી તસવીર જેવી નબળી નકલ છે ! એકસેપ્ટેડ (અનાવૃત, ૬/૬/૨૦૦૭ – હવે આખો લેખ વાંચો પુસ્તક “જય હો”માં) જો હીરો હતી, તો ફાલતુ એ કાચ છે. કારણ કે, પ્રેરણા લઈને પણ પછી બાકીનું ‘પૂરણ’ મૌલિક રાંધી શકે એવા સલીમ-જાવેદની કક્ષાના લેખકો આપણી પાસે રહ્યા નથી. એટલે જેટલું સારું હોય એ ઓરિજીનલમાંથી તફડાવેલું હોય છે, અને જેટલું ભંગાર હોય એ કોપીરાઈટનો કેસ ન થાય માટે જાતે વિચારેલું (!) કબાડીખાનું હોય છે. એકસેપ્ટેડ પાસે એક વોઈસ હતો પોતાનો, ફાલતુ પાસે ઘોંઘાટ છે.
મુદ્દો તો એ છે કે શિક્ષણમાં મૌલિક ક્રાંતિની વકીલાત કરતી લોકપ્રિય હિન્દી ફિલ્મ ખુદ જ મૌલિક નથી ! વિદેશી ફિલ્મની બેઠ્ઠી ઉઠાંતરી છે ! આ તો પ્રામાણિકતાનો નિબંધ બાજુવાળા (કે વાળી !) ની ઉત્તરવહીમાંથી જોઈને લખવાની વાત થઈ ! (પાછા પ્રેક્ષકો….ઉફક પરીક્ષકો એના પૂરા માર્કસ પણ આપી દે !) આ છે સવા અબજના દેશનું ક્રિએટિવ એન્ડ મોરલ સ્ટાન્ડર્ડ ? ક્યાં સુધી ઉધાર વિચારોને આપણે ‘રિસર્ચ એન્ડ એજ્યુકેશન’ કહીને જાતને છેતરીશું ?
આપણી ‘કંટ્રોલ ફ્રીક’ (અંકુશઘેલી) સોસાયટી એઝ્યુકેશનને એક જૂનવાણી ઢાંચામાં ફિટ કરીને રાખવામાં જ સલામતી સમજે છે. ઉચ્ચ શિક્ષણ રોજે રોજના બોજ માટે નથી. જીજ્ઞાસાની મોજ અને જ્ઞાનની ખોજ માટે છે. બીબાંઢાળ પરીક્ષાઓનો અતિરેક યંગથીંગ્સનું હીર ચૂસીને બેનૂર બનાવે છે. એકઝામના ટેન્શનમાં ડિપ્રેશન વધે છે. બધા જ લોકો જીનિયસ નથી હોતા. પણ તો બધા જ લોકોએ સતત પહેલાં નંબરે પાસ થવાની ખોટી આશાઓ પણ છોડતા શીખવું પડે. નહિ તો રાવજીની ‘રાવ’ ( ફરિયાદનો પોકાર)ને બદલે ‘પાર્ટી અભી બાકી હૈ’માં ડોલવામાં વઘુ રસ પડે. અને બાય ધ વે, એ હિટ સોંગ પણ બ્લેક આઈઝ પીના ‘માય હમ્પ્સ’ ગીતને ખાસ્સું મળતું આવે છે ! કોરી પાટી જેવા દાનવી દિમાગોમાં સાચા શિક્ષણની પાર્ટી હજુ શરૂ થવાની જ બાકી છે !
ઝિંગ થિંગ !
ધબકી રહેલા માણસો અમને ગમ્યા નથી.
પથ્થર બનાવી પૂતળાંઓ ખોડીએ છીએ ! (કરસનદાસ લુહાર)