શરીર પર વધી રહેલી ચરબી ધરાવતા લોકોની સંખ્યા વધી રહી છે. શહેરોમાં તો જિમ્નેશિયમના રાફડા ફાટયા છે. લોભિયાનાં ધન ધુતારા ખાય એમ જાડિયાનાં ધન જિમવાળા ખાય, એવી સ્થિતિ છે. રોજબરોજના જીવનમાં ચાલવાની ક્રિયાનો અભાવ, ખાનપાનમાં અનિયમિતતા અને શહેરીકરણની બાયપ્રોડક્ટ છે - જાડાપાડાપણું!
આજકાલ કેટલાક લોકોની પરિસ્થિતિ એવી હોય છે કે તેઓ દરવાજાની બહાર નીકળતા હોય ત્યારે પહેલાં તેમનું પેટ બહાર આવે છે પછી તેમનું સમગ્ર વ્યક્તિત્વ બહાર આવે છે. લોકો આજકાલ 'બુઢાપા' કરતાંય 'મોટાપા'થી વધારે ડરે છે. કેટલીક જુવાન છોકરીઓ તો ફિગરને લઈને એટલી ફિકરમંદ હોય છે કે તેમના માટે ચીવટ અને ચીકણાપણા વચ્ચેની ભેદરેખા જ ભૂંસાઈ ગઇ હોય છે. ફિગરના મામલે આ છોકરીઓ એટલી સંવેદનશીલ હોય છે કે તેના મનમાં સતત એક અદૃશ્ય ડર રહ્યા કરતો હોય છે કે કમર વધી તો નહીં જાયને! તે પોતાનો લોંગશોટ ફોટો જુએ તો તેમાં પોતાના ચહેરાને પછી પરંતુ કમરને પહેલાં નિહાળે છે. આ ફિગરવંતી કન્યાઓનો મોટાપો જેટલો શારીરિક હોય છે એના કરતાં અનેકગણો માનસિક હોય છે.
જાડા ન થવાની લાયમાં અથવા તો જાડાપણું જતું રહે એની તકેદારી અંગેની લોકોની ચેષ્ટા(વાંચો ચીકણાવેડા) જોઈને ક્યારેક તો પેટ પકડીને હસવું આવી જાય. પેટ ચોળ્યા વગર શૂળ કેમ ઊભું કરી શકાય એની પળોજણ સમજવી હોય તો કોઇ ફિગર સંવેદનશીલ વ્યક્તિને મળવું. આ વાત માત્ર મહિલાઓને જ નહીં પણ પુરુષનેય લાગુ પડે છે.
એક જમાનો હતો જ્યારે ચરબીદાર પેટ સુખી અને સંપન્નપણાનું ઓળખપત્ર ગણાતું હતું, પણ હવે એ દિવસો ક્યાં રહ્યા છે! હવે તો લોકો આદું ખાઈને પેટ ઉતારવા પાછળ પડી ગયા છે. પેટ ન ઊતરે તો કમ સે કમ એવાં કપડાં પહેરીને સંતોષ મેળવે છે જેમાં તેઓ સહેજ પાતળા દેખાય!
ભારત, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, મેક્સિકો જેવા દેશમાં જાડા લોકોની સંખ્યા વધી રહી છે એવો વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો બે વર્ષ પહેલાં રિપોર્ટ હતો. જગત જમાદાર અમેરિકામાં તો આ સમસ્યા જુગજૂની છે.
માત્ર પેટ ભરીને ભોજનથી જ ચરબી નથી વધતી. એના માટેનાં બીજાં કેટલાંક પાયાનાં કારણો પણ જવાબદાર છે. વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે કે શહેરીકરણ, આધુનિક જીવનશૈલી, તમાકુ - શરાબ જેવાં વ્યસનની દેણ છે- મેદસ્વિતા. શહેરનો નોકરિયાત વર્ગ હવે અઠવાડિયે એકાદ વાર તો મોટેભાગે બહાર જમે જ છે. ફેમિલી સાથે બહાર ડિનર લેવાનું થાય કે પછી પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય ત્યારે આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે અને એ સ્વાભાવિક છે. દેશમાં પોષણયુક્ત આહારની જગ્યા ચરબીયુક્ત આધુનિક ખાણાંએ લઇ લીધી છે એને લીધે પણ મોટાપો વકર્યો છે અને વિસ્તર્યો છે. હવે તો હોટેલમાં પણ ગુજરાતી થાળીમાં પંજાબી રોટી પીરસાય છે. ચાઇનીઝ ખાણું તો એ હદે દેશી થઇ પડયું છે કે ગામડાં સુધી ફરી વળ્યું છે. ભારત સરકારે જો ચીન સાથે સંબંધ સુધારવા હોય તો મનમોહનસિંહ ચીનના પ્રધાનને કહી શકે એમ છે કે અમારા આખા દેશને તમારા સૂપનો સ્વાદ દાઢે વળગ્યો છે અને નૂડલ્સે આંતરડી ઠારી છે.
મોટાપાનું અન્ય એક અગત્યનું કારણ છે લોકોની 'ન ચાલવાની' જીવનશૈલી. લોકોનાં જીવનમાંથી ચાલવાની પ્રક્રિયાનો છેદ ઊડી ગયો છે. ચાલવું તો જાણે કોઈ પછાત ઘટના હોય એ હદે લોકોની જીવનશૈલીમાંથી બાકાત થઈ ગઈ છે. ઘરથી દસ ડગલે દૂર નાકે કિરાણાની દુકાનેથી કિલો ખાંડ લાવવાની હોય તોય લોકો સ્કૂટરને કિક મારે છે. શહેરોમાં તો હવે એક ઘરમાં જ ત્રણ - ચાર વાહનો હોય છે. ઘરની દરેક વ્યક્તિ માટે અંગત વાહન. પરિણામે શરીર પર મેદના થર જામતા જાય છે. જેના જીવનમાંથી 'ચાલવું' શબ્દ ચાલી ગયો છે એ લોકો પછી જિમમાં જાય છે. હળવી શૈલીમાં કહીએ તો 'લોભિયાનાં ધન ધુતારા ખાય' એમ 'જાડિયાનાં ધન જિમવાળા ખાય.' પોતાને ત્યાં આવનારી વ્યક્તિના શરીરનો અને ખિસ્સાનો દમ કાઢવાની કળા એ જિમવાળાએ વિકસાવેલી મોડર્ન આર્ટ છે. જાડિયા લોકો જે પાપી પેટ કા સવાલ લઈને આવે છે એનો જવાબ જિમવાળા પાસે હોય છે.
જે લોકોનાં પેટની ચરબી ભલભલા જિમવાળા ઉતારી ન શકતા હોય તેમની ચરબી ટેન્શન ઉતારી દે છે. માણસ ટેન્શનના ટાપુ પર ઊભો હોય અને તેનું વજન ઊતરી ગયું હોવાના ઘણાં દાખલા છે. ટેન્શનથી શરીર ઊતરે છે એ વાત સાચી પણ છે અને ખોટી પણ છે, કારણ કે એક એવું પણ સંશોધન છે કે ટેન્શનથી શરીર પર ચરબી વધે છે. ચિંતા ચિતા સમાન જ નથી હોતી, ચરબી સમાન પણ હોય છે. મગજ પર ટેન્શન વધે છે એની સાથે પેટનું કદ પણ વધે છે એવું ઓક્સફર્ડ યુનિર્વસિટીએ કરેલા એક સંશોધનનું તારણ છે. જેમાં જણાવાયું છે કે મનમાં તણાવ હોય ત્યારે માણસ અકરાંતિયો થઈ જાય છે અને જરૂરિયાત કરતાં વધુ ખોરાક ઝાપટવા માંડે છે. તેમનું એવું પણ તારણ છે કે જે દેશોમાં ઉદાર અર્થવ્યવસ્થા હોય ત્યાં લોકોનાં શરીર પર મેદ બાઝવા માંડે છે.
ઓક્સફર્ડના પ્રોફેસર એવનર ઓફરે કહ્યું હતું કે અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં '૮૦ના દાયકામાં મુક્ત બજારવાદ પ્રસર્યો. એની સાથે સાથે નોકરી - ધંધામાં કોમ્પિટિશનની ભાવના પણ ખૂબ વધી. પરિણામે સમાજજીવનમાં લોકોમાં જે સંતોષની ભાવના હતી અને નોકરી-ધંધામાં જે સુરક્ષાની ભાવના હતી એનું બાષ્પીભવન થઈ ગયું. ઓક્સફર્ડ વધારે પાયાની વાત એ કહે છે કે આ દેશોમાં જે કંઇ આર્થિક ફાયદો થયો છે એ આરોગ્યના નુકસાનને ભોગે છે. આ વાત અત્યારે ભારતનાં વિકસી રહેલાં અને વિકસી ચૂકેલાં તમામ શહેરોને લાગુ પડે છે.
શહેરી બાળકોમાં પણ મેદસ્વિતાએ માઝા મૂકી છે. શહેરોમાં બાળકોને રમવા માટેનાં સ્થળ ઘટતાં જાય છે. મુંબઈ જેવા શહેરમાં તો બાળકે શેરીમાં જઈને રમવું હોય તો એવો વિચારેય ન થઈ શકે, કારણ કે ત્યાં તો ફૂટપાથ પર પણ એટલી ભીડ હોય છે કે લોકો એકબીજા સાથે અથડાતા હોય છે. અમદાવાદ જેવાં શહેરોમાં પણ બાળકોને રમવાના ચોક રહ્યા નથી. વળી, શેરીમાં જઇને રમવાનું કલ્ચર પણ શહેરોમાં ખૂબ ઓછું થઇ ગયું છે. ઉપરાંત મોબાઇલ ગેઇમ્સ અને ટીવી પરનાં કાર્ટૂનોએ બાળકોની આઉટડોર ગેઇમ્સ પર મોટી તરાપ મારી છે. બાળકો આઉટડોર ગેઇમ્સ રમે છે એની ના નહીં પણ એનું પ્રમાણ ઘટી રહ્યું છે. જેને પરિણામે બાળકોમાં પણ મેદસ્વિતાની સમસ્યા વકરી રહી છે. અમેરિકામાં તો બાળકોના જાડાપાડાપણાની ચિંતા દેશના પ્રથમ નાગરિક ઓબામાની પત્ની મિશેલ ઓબામાને પણ ખૂબ સતાવે છે. મિશેલ ઓબામાએ તો એ અમેરિકી બાળકોના મેદનો છેદ ઉડાડવા માટે ૨૦૧૦માં રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ પણ શરૂ કરી હતી. લેટ્સ મૂવ કેમ્પેઇન નામની એ ઝુંબેશ અંતર્ગત મિશેલબહેને બાળકોનાં માતા-પિતાઓને એ હાકલ કરી હતી કે તમારાં બાળકોને ખેલકૂદમાં ભાગ લેતાં કરો અને તેઓ ખૂબ ચાલે એ માટે પ્રોત્સાહિત કરો જેથી તેઓ તંદુરસ્ત રહે.
દુનિયામાં બે પ્રકારના લોકો છે. એક એવા લોકો કે જેમને પેટ સંતુલિત કે સપાટ રાખવા માટે ચાલવા જવું પડે છે. બીજી તરફ એવા લોકો છે જેમને એક ટંકનું ભોજન માંડ નસીબ થાય છે તેથી તેમનાં પેટે ખાડો પડે છે. આ બંને પ્રકારનાં પેટ વચ્ચે જે ખાઇ પડે છે એમાં આપણો દેશ વસે છે. 'પેટ કરાવે વેઠ' એ કહેવત આ બંને પ્રકારના લોકોને જુદી જુદી રીતે ફિટ બેસે છે.
પંજાબ મોખરે, ગુજરાત પણ આગળ
દેશના લોકોની બદલાઈ રહેલી ફૂડ હેબિટ્સને લીધે મેદસ્વિતા ભારત માટે
પણ આગામી સમયમાં ખતરો બની શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડાઓ મુજબ
૨૦૧૦માં ભારતમાં મેદસ્વિતાનો દર પુરુષોમાં ૧૮.૧ ટકા અને મહિલાઓમાં ૨૦.૧ ટકા
હતો. દેશની અંદરની સ્થિતિ જોઈએ તો ભારતનાં વિવિધ રાજ્યોમાં પંજાબ
મેદસ્વિતા બાબતે મોખરે ગણાય છે. પંજાબમાં આશરે ૩૦.૩ ટકા પુરુષો અને ૩૭.૫
ટકા મહિલાઓ જાડાપણાનો શિકાર છે. ત્યારબાદ કેરાલા, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ આવે છે. ગુજરાતની વાત કરીએ તો તેનો નંબર દસમો છે. ગુજરાતમાં ૧૫.૪ ટકા પુરુષો અને ૧૭.૫ ટકા મહિલાઓ મેદસ્વિતાનો શિકાર છે.
મેદસ્વિતાથી પરેશાન ટોપ ટેન દેશો
અમેરિકા
|
૩૩.૮
|
મેક્સિકો
|
૩૦
|
ન્યૂઝીલેન્ડ
|
૨૬.૫
|
ચિલી
|
૨૫.૧
|
ઓસ્ટ્રેલિયા
|
૨૪.૬
|
કેનેડા
|
૨૪.૨
|
યુકે
|
૨૩
|
આયર્લેન્ડ
|
૨૩
|
લક્ઝમબર્ગ
|
૨૨.૧
|
ફિનલેન્ડ
|
૨૦.૨
|
અમેરિકાને મોંઘી પડે છે ચરબી
આપણું જગત જમાદાર અમેરિકા આમ તો દુનિયાના ઘણાં દેશો સામે ચરબી
કરતું હોય છે પણ પોતાના નાગરિકોની ચરબી તેને ખૂબ જ મોંઘી પડે છે. બીજી અનેક
બાબતોની જેમ અમેરિકા મેદસ્વિતાના મામલે નંબરવન પર છે. દેશના કુલ ૩૩.૮ ટકા
લોકો જાડાપણાનો શિકાર છે. અમેરિકામાં મેદસ્વિતાને લીધે થતાં ખર્ચનો આંકડો
દુનિયાના એકાદ નાનકડા ગરીબ દેશના ર્વાિષક બજેટ જેટલો ગણી શકાય. અમેરિકા દર
વર્ષે આશરે ૧૧૭ અબજ ડોલરનો ખર્ચ મેદસ્વિતાના નિયંત્રણ અને જાગૃતિ તથા તેને
લગતી દાકતરી સારવાર પાછળ કરે છે. દુનિયામાં આશરે એક અબજ લોકો મેદસ્વિતાનો
શિકાર છે. આ પૈકી ૩૦ કરોડ લોકો તો દાકતરી સારવાર લેવી પડે તે હદે
મેદસ્વિતાનો શિકાર બનેલા છે. અમેરિકામાં દર વર્ષે આશરે એકથી ચાર લાખ
લોકોનું મોતનું કારણ મેદસ્વિતા ગણાવાય છે. આશરે ૧૭ ટકા અમેરિકન બાળકો
મેદસ્વિતાનો શિકાર છે. અમેરિકન લશ્કરી ભરતીમાં પણ મેદસ્વિતા મોટો ભાગ ભજવી
રહી છે. ૨૦૦૯માં ૧૭થી ૨૪ વર્ષની ઉંમરના વજન વધારે પડતું હોવાને લીધે
શ્કરમાં ભરતી થઈ શક્યા નહોતા.
મધુપ્રમેહનો મધપૂડો ભારત
પેટ વધે એની સાથે ડાયાબિટીસનો હાઉ પણ હાવી થઈ જાય છે. ડાયાબિટીસની
રેસમાં ભારત મેરેથોન જીતી આવે એવું ફાસ્ટ રનર છે! ડાયાબિટીસ એટલે કે
મધુપ્રમેહ અને મેદસ્વીપણું રેલવેના પાટાની જેમ સાથે સાથે જ ચાલે છે.
રેલવેના પાટા તો ક્યાંય ભેગા થતા નથી પણ મધુપ્રમેહ અને મેદસ્વીપણું તો ઘણાં
કેસમાં ભેગા થઈ જાય છે. ૧૯૯૮થી ૨૦૦૫માં ભારતમાં ડાયાબિટીસ ધરાવતા લોકોની
સંખ્યામાં વીસ ટકાનો વધારો થયો હતો. ૨૦૩૦ સુધીમાં દેશમાં ડાયાબિટીસ ધરાવતા
લોકોની સંખ્યા આઠ કરોડને આંબી જશે એવું સંશોધન કહે છે. ડાયાબિટીસ પર સંશોધન
કરી રહેલી સંસ્થા ડાયાબિટીસ ફાઉન્ડેશનનું રિસર્ચ કહે છે કે દિલ્હી, મુંબઈ જેવાં શહેરમાં દર ત્રણમાંથી એક બાળક જાડિયાપણાનો શિકાર છે.
બ્રાઝિલમાં મેદ સામે મૈદાન-એ-જંગ
બ્રાઝિલ જેવો પૈસે ટકે પ્રમાણમાં બહુ સુખીય નહીં ને બહુ દુઃખીય
નહીં એવો દેશ પણ મેદસ્વીપણા સામે બાથ ભીડી રહ્યો છે. બ્રાઝિલના લોકો
દુંદાળા થવા માંડયા એટલે ત્યાંની સરકારે કેટલાંક પગલાં લીધાં હતાં. ત્યાંના
આરોગ્ય મંત્રાલયે ૨૦૧૧માં બે પ્રોગ્રામ તૈયાર કર્યા હતા, જે
અંતર્ગત ફળ અને શાકભાજીની ઉત્પાદકો અને વિતરકોને પ્રોત્સાહિત કરતી નીતિ
બનાવી હતી. કેટલાક ખાદ્ય પદાર્થોમાં ખાંડનું પ્રમાણ ઘટે એવોય ઠરાવ કર્યો
હતો. ઉપરાંત સરકારે વિવિધ સ્કૂલને એવી તાકીદ પણ કરી હતી કે બાળકોને જે ફૂડ
આપવામાં આવે એમાં કમ સે કમ ૩૦ ટકા ફૂડ તો તાજું જ હોવું જોઈએ.